ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. તેમ છતાં ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને સેવન અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે કચ્છ જિલ્લાના ગાંધીધામના ખારીરોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે.
પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં ૧૦ પેકેટ કોકેઈનના મળી આવ્યા હતા. જેમાં અંદાજિત ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. જણાવી દઈએ કે, અહીંથી સમુદ્રની ખાડી માત્ર દોઢેક કિલોમીટર દૂર છે. બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. જ્યારે FSLની ટીમે વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે લખ્યુ, “ગુજરાતના કચ્છ જિલ્લામાં ૧૨ કિલોગ્રામ કોકીનથી ભરેલા ૧૦ પેકેટ મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૨૦ કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?”
ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ગાંધીધામ પોલીસે અહીંથી થોડે દૂર મીઠીરોહર સીમમાંથી ૮૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આ વર્ષે ૪ જૂન ૨૦૨૪ ના રોજ ખારીરોહરથી કંડલા જતાં માર્ગ પર HPCL પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત ATSએ પણ બિનવારસી હાલતમાં પડેલું ૧૩ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આમ, છેલ્લાં એક વર્ષમાં ત્રણ વખત એક જ પટ્ટામાંથી અંદાજિત ૧૦૫ કિલોગ્રામ કોકેઈનના પેકેટ કબજે કરાયાં છે. જોકે એકપણ કિસ્સામાં તે જાણી શકાયું નથી કે આ પેકેટ અહીં કોણ નાખી ગયું હતું.