ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ આજે નવી દિલ્હીની મુલાકાતે છે. આ મુલાકાતનું પ્રયોજન જાહેર થયું નથી, પરંતુ મુલાકાતનો હેતુ વહીવટી બાબતો હોઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય આગેવાનોને મળશે.
આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી, મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ અંગે સચિવાલયમાં અટકળો શરૂ થઈ ચુકી છે. જો કે સત્તાવાર સૂત્રો આ મુલાકાતને રૂટીન ગણાવી રહ્યાં છે.
મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈને રાજ્ય સરકારે તેની ઉજવણી માટે વિકાસ સપ્તાહ શરૂ કર્યો છે. તેથી, મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આ સંદર્ભે તેમનું માર્ગદર્શન મેળવશે.
આ મુલાકાતમાં મુખ્યસચિવ રાજકુમાર પણ સાથે હોવાથી રાજ્યના વહીવટી તંત્ર અંગેની ચર્ચા થવાની પણ સંભાવના છે. મહત્ત્વનું છે કે ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જ્યંતિ નિમિત્તે એકતા દિવસના કાર્યક્રમો હોવાથી ગુજરાતમાં તેની કેવી રીતે ઉજવણી કરવાની તે અંગે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં, રાજ્યના વહીવટી તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની બદલી અંગે પણ ચર્ચા-વિચારણાનો અવકાશ રહેલો છે.