રાવણનો વધ કરવાનું અસ્ત્ર રામને અહીંથી મળ્યું હતું, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો.
આજે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળશે
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. આ વખતે પણ નોમના દિવસે એટલે કે ૧૧ મી ઓક્ટોબરે રાત્રીના ૧૨:૦૦ વાગ્યે વરદાયિની માતાજીની પલ્લી નિકળશે અને તેમના પર હજારો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થશે.
પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલું ઐતિહાસિક તીર્થ સ્થળ એવા રૂપાલમાં દર વર્ષે પલ્લી નિકળે છે અને ગામના ૨૭ જેટલા ચકલા પાસે ઉભી રહે છે. આ પલ્લી જ્યાં જ્યાં ઉભી રહે ત્યાં ભક્તો પલ્લી પર ઘીનો ચઢાવો કરે છે. ગયા વર્ષે પલ્લી પર ૩૨ કરોડનું પાંચ લાખ કિલો કરતાં વધુ ઘી ચઢઢ્યું હતું. માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પલ્લીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે. ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે પરંતુ અર્પણ થયેલા ધીના ડાઘ કપડાં પર પડતા નથી તેવી લોકવાયકા છે. આ ઘી માત્ર ચોક્કસ સમાજના લોકો એકત્ર કરીને ઉપયોગમાં લેતા હોય છે. ખુલ્લું પડી રહ્યું હોવા છતાં ઘીને કૂતરાં કે કીડી સૂંઘતા પણ નથી. પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ હોય તેઓ આવીને ઘીનો અભિષેક કરે છે. નવજાત શિશુ લઈને પણ લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરમાં પ્રતિદિન એક હજાર, પૂનમના દિવસે એક લાખ અને પલ્લીના મેળામાં ૧૦ લાખથી વધુ ભક્તો જોડાતા હોય છે. આ વખતે પણ પલ્લીમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના હોવાથી એસટી નિગમે સ્પેશ્યલ એસટી બસોની સુવિધા કરી છે.