આખરે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ, ૧૪૦ મુસાફરો સુરક્ષિત.
તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સાંજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. આ ફ્લાઈટ તિરુચિરાપલ્લી એરપોર્ટ પર કલાકોથી ચક્કર લગાવી રહી હતી અને લેન્ડિંગ કરી શકતી ન હતી. જો કે મળતા સમાચાર મુજબ ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ગઈ છે અને ૧૪૦ મુસાફરો પણ સુરક્ષિત છે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. એક સમયે મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
ફ્લાઈટમાં હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ કારણે તેને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી. જો કે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. વિમાનમાં સવાર તમામ ૧૪૦ મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઈટ ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. ફ્લાઇટ એરપોર્ટ પર ૦૮:૧૪ કલાકે લેન્ડ થઈ હતી.
ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર IX૬૧૩ના પાઈલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ટેક-ઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટે પરત ફરવું પડ્યું હતું. તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી B૭૩૭-૮૦૦ લેન્ડિંગ પહેલા ઈંધણ ભરી રહી હતી. એરપોર્ટ પર તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું.
ત્રિચી એરપોર્ટના ડાયરેક્ટરના જણાવ્યાનુસાર, પાઇલટે હાઇડ્રોલિક ફોલ્ટ અંગે એર સ્ટેશનને જાણ કરી હતી. એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક ખામી ત્યારે સર્જાઈ છે જ્યારે સિસ્ટમ કે જે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લૅપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરે છે તે યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે છે. ઉલ્લેખનીય છે કે, ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ હાઈડ્રોલિક ફોલ્ટને કારણે બે કલાક કરતા વધુ સમય સુધી ઉડી રહી હતી. હાલમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. આ ફ્લાઈટ સાંજે ૦૫:૪૩ કલાકે ઉડાન ભરી હતી. થોડા સમય પછી, તેમાં ખામી સર્જાઈ હતી.