રાવણના પૂતળાની સાથે જ બધી ચિંતાઓને પણ સળગાવી નાખજો…
વરસાદની ફિકર છોડી છેલ્લા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
આજે ઠેર-ઠેર શસ્ત્રપૂજન, સાંજે રાવણદહન, સવારથી સાંજ સુધી ગાંઠિયા-જલેબી-મિઠાઈની જિયાફત
અમદાવાદ સહિત દેશભરમાં આજથી દિવાળીના તહેવારની રોનક’ છવાશે.
આજે દશેરાનું પર્વ છે ત્યારે અધર્મ પર ધર્મની જીતની સાબિત આપતાં આ પર્વને માણવા માટે તહેવારપ્રિય અમદાવાદ અને રાજકોટ સજ્જ બની ગયું છે. નવ દિવસ સુધી રાસ-ગરબા સાથે માતાજીની આરાધના કર્યા બાદ આજે વિજયાદશમીના પર્વ સાથે આ તહેવાર સંપન્ન થશે અને આજથી દિપાવલીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે. છેલ્લા નોરતે વરસાદનું વિઘ્ન નડશે તેવી ચિંતાને કોરાણે મુકી ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા હતા. આ વખતે નવેય દિવસ સુધી વરસાદે વિરામ લીધો હોવાથી પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓનું કીડિયારું ઉભરાયું હતું.
દરમિયાન આજે દશેરાના તહેવાર પર ઠેર-ઠેર શસ્ત્રપૂજન કરવામાં આવશે તો સાંજે રાજકોટમાં દેશના સૌથી ઉંચા રાવણનું દહન કરવામાં આવશે. આ સાથે જ લોકો રાવણના પૂતળાની સાથે જ પોતાની તમામ ચિંતાઓને પણ સળગાવશે. દશેરાનો તહેવાર હોય અને લોકો ખાણીપીણીની જ્યાફત ન ઉડાવે તેવું બની જ ન શકે એટલા માટે સવારથી સાંજ સુધી ગાંઠિયા, જલેબી, મધમધતી મિઠાઈનો મોજ ઉડાવશે. એકંદરે આજથી રાજકોટ સહિત દેશભરમાં દિવાળીના તહેવારનીરોનક’ જોવા મળશે. આજથી બરાબર ૨૦ દિવસ બાદ દિવાળી આવી રહી હોય બજારોમાં ખરીદીનો પણ જબદરસ્ત `કરંટ’ જોવા મળશે.