બાંગ્લાદેશને ૧૩૩ રનથી હરાવી સીરિઝમાં ૩-૦ થી ક્લિન સ્વીપ કર્યું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (૧૨ ઓક્ટોબર) ટી-૨૦ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઇ હતી. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને ૧૩૩ રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ સીરિઝમાં ૩-૦ થી ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે તાબડતોડ બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૯૭ રન ફટકાર્યા હતા. જેની સામે ૨૯૮ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૬૪ રન ફટકાર્યા હતા. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે.
ભારતીય ટીમ તરફથી તાબડતોડ પ્રદર્શન કરતા સંજૂ સેમસને ૪૭ બોલમાં ૧૧૧ રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૫ બોલમાં ૭૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ બીજા વિકેટ માટે ૧૭૩ રનની વિશાળ પાર્ટનરશિપ કરી હતી. આ ઉપરાંત રિયાન પરાગે ૧૩ બોલમાં ૩૪ રન અને હાર્દિક પંડ્યાએ ૧૮ બોલમાં ૪૭ રન ફટકારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ પણ તેમની કમાલ બતાવી હતી. મયંક યાદવે ૨ વિકેટ અને રવી બિશ્નોઇએ ૩ વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા અનેક રેકોર્ડ તોડ્યા હતા. ભારતે ૨૯૭ રન બનાવી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત ટી-૨૦ માં ૮૨/૧ પર બેસ્ટ પાવરપ્લે સ્કોર, સૌથી ઓછા બોલમાં ૧૦૦ રનનો સ્કોર-૭.૧ ઓવર, સૌથી ઓછા બોલમાં ૨૦૦ રનનો સ્કોર-૧૪ ઓવર, પ્રથમ ૧૦ ઓવરમાં બેસ્ટ સ્કોર-૧૫૨/૧, એક ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા-૨૨, એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી- ૪૭ સહિત ઘણાં રેકોર્ડ તોડ્યા હતા.