કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું હતું.
રવિવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગૃહ મંત્રાલયે આ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ ના તેના અગાઉના આદેશને રદ કર્યો હતો અને નવો આદેશ બહાર પડ્યો હતો. આ આદેશના અમલ સાથે જ ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નવી સરકારને આ અઠવાડિયામાં શપથ લેવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના સંદર્ભમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજનો આદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૫૪ હેઠળ મુખ્યમંત્રીની નિમણૂક પહેલા તરત જ રદ કરવામાં આવશે. . હવે આવી સ્થિતિમાં નવી સરકારના શપથ ગ્રહણ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.
નવી સરકાર ૧૬ ઓક્ટોબરે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ૯૦ સભ્યોની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ અને કોંગ્રેસે ૬ બેઠકો જીતી છે.