વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો સીમાચિહ્ન સ્પર્શ કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારબાદ તેની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તે જ મેચની બીજી ઈનિંગમાં કોહલીએ તેના બેટથી જવાબ આપ્યો હતો. જો કે કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યો છે, પરંતુ આ કંઈક ખાસ છે કારણ કે આ ટેસ્ટ માઈલસ્ટોન છે, જે કોહલીના દિલની ખૂબ નજીક છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તે સિદ્ધિ મેળવી છે જેની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કિંગ કોહલીએ પોતાના ટેસ્ટ ક્રિકેટમાં ૯૦૦૦ રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર વિરાટ ભારતનો ચોથો અને વિશ્વનો ૧૮ મો બેટ્સમેન છે. કોહલીએ ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે બીજા દાવમાં આની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો. વિરાટે આ ઈનિંગ દરમિયાન પોતાનો ૫૩ રન બનાવ્યો તે સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૯ હજાર રન પણ પૂરા કર્યા.
વિરાટ કોહલીએ પોતાની ૧૯૭ મી ઇનિંગમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. સૌથી ઝડપી ૯૦૦૦ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી ૧૩ મા નંબર પર છે. જો રૂટ (૧૯૬) આ યાદીમાં ૧૨ મા નંબર પર છે. ટેસ્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૯૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે પોતાની ૧૭૨ મી ઇનિંગમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.
વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં મળીને ૨૭ હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લી ટેસ્ટ મેચમાં જ ૨૭૦૦૦ આંતરરાષ્ટ્રીય રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.