યુદ્ધ માટે મોકલ્યા હજારો સૈનિક, દક્ષિણ કોરિયા એ બોલાવી બેઠક…
રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ લઈ શક્યો નથી. એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારોની સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયાને પણ યુદ્ધમાં મોટી મદદ મળી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગની મુલાકાત થઈ હતી અને બંને દેશોએ ઘણા મોટા કરાર પણ કર્યા હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે ૧૨,000 સૈનિકો મોકલ્યા છે. દક્ષિણ કોરિયાની એક સમાચાર સંસ્થાએ આ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સીએ નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)ના ઈનપુટ્સનો હવાલો આપતા કહ્યું હતું કે રશિયાની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકો રવાના થઈ ચૂક્યા છે. જો કે NISએ આ સમાચારની તાત્કાલિક પુષ્ટિ કરી નથી.