આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૨ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
આજે સવારથી અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદના મેમનગર, શિવરંજની, સેટેલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી.હાઈ-વે, બોડકદેવ, જીવરાજ પાર્ક, વેજલપુર પાલડી, એલિસબ્રિજ, નવરંગપુરા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં કારણે અનેક ભાગોમાં તાપમાનમાં પણ ફેરફાર થવા પામ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાને પગલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી ૪૮ કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ પાંચ દિવસ લધુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.