લદ્દાખ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ૨૦૨૦ માં ભારત અને ચીન વચ્ચે સર્જાયેલ સૈન્ય અવરોધ હવે ઉકેલાઈ ગયો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચર્ચા કર્યા બાદ સૈન્ય પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે, જે બાદ હવે બંને તરફથી એડવાન્સ તૈનાતી ખતમ થઈ જશે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રિક્સ મુલાકાત પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લાં કેટલાંક સપ્તાહો દરમિયાન થયેલી ચર્ચાઓનાં પરિણામે ભારત-ચીન સરહદી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર સર્વસંમતિ સધાઈ છે. આ ફોરવર્ડ ડિપ્લોયમેન્ટને સમાપ્ત કરશે અને આખરે ૨૦૨૦ માં આ વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડશે.
નોંધનીય છે કે ૨૦૨૦ માં બંને સેના આમને-સામને આવી હતી. બંને દેશોની સેનાઓ વચ્ચેની અથડામણમાં બંને પક્ષના સૈનિકો પણ શહીદ થયા હતા. આ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. બાદમાં આ તણાવને ખતમ કરવા માટે વિદેશ મંત્રાલય અને સૈન્ય સ્તરે વાતચીત શરૂ થઈ.