રશિયન પ્રમુખ પુતિને શું મજાક કરી .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી ૧૬ મી બ્રિક્સ સમિટમાં મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત હતા. આ દ્વિપક્ષીય બેઠકમાં દરમિયાન ખળખળાટ હસવાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિની વાત સાંભળીને વડાપ્રધાન મોદી સહિત સૌકોઈ ખળખળાટ હસતા જોવા મળી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિએ બેઠકમાં કહ્યું કે, ‘તમારી સાથે અમારા એવા સંબંધો છે કે, એવું લાગતું નથી કે ટ્રાન્સલેશનની જરૂર પડશે.’ આ સાંભળીને બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો ખળખળાટ હસવા લાગ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે રશિયા-ભારત વચ્ચે ચાલી રહેલા સહયોગને ખૂબ જ મહત્વના માનીએ છીએ. બંને દેશો બ્રિક્સના મૂળ સભ્ય દેશો છે. રશિયા અને ભારત વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સંબંધ વધતો રહેશે. અમારા વિદેશ મંત્રી સતત સંપર્કમાં છે. અમારો બિઝનેસ પણ આગળ વધી રહ્યો છે.’
‘આગામી બેઠક પણ ૧૨ મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. અમારી મોટી યોજનાઓ વિકસી રહી છે. ભારતે કઝાનમાં કાઉન્સિલ જનરલ ખોલવાનો નિર્ણય લીધો છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ. ભારતની રાજદ્વારી હાજરીથી અમારા સહયોગને ફાયદો થશે. અમે તમને અહીં જોઈને ખૂબ જ ખુશ છીએ.’
રશિયાના રાષ્ટ્રપતિએ શુભેચ્છા આપવા બદલ વડાપ્રધાન મોદીએ આભાર માન્યો હતો અને કહ્યું કે, હું તમારી મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર વ્યક્ત કરું છું. કાઝાનમાં ભારતના નવા વાણિજ્ય દૂતાવાસની શરૂઆત થવાની છે, જેના કારણે આપણા સંબંધો વધુ મજબૂત બનશે. છેલ્લા ત્રમ મહિનામાં મારી બે વખત રશિયાની મુલાકાત ગાઢ મિત્રતાને દર્શાવે છે. છેલ્લા એક વર્ષમાં બ્રિક્સના સફળ વિકાસ માટે હું તમને અભિનંદન આપું છું. બ્રિક્સે ૧૫ વર્ષમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ઉત્સુક છું.’