બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દાના કુદરતી આફત સર્જી શકે છે. ૨૫ મી ઓક્ટોબરે તે ઓડિશાના પુરી જિલ્લા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ત્રાટકી શકે છે. તેની અસરને કારણે બંને રાજ્યોમાં ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેથી બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજો, આંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ પર છે અને ડોકટરો, પોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, ‘દાના વાવાઝોડાની સૌથી પહેલા ઓડિશાના પુરીમાં દરિયાકાંઠે ટકરાશે. જેના કારણે પુરી શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. પુરીના મંદિરો બંધ છે અને પુરીથી લગભગ ૧૦ હજાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. પુરીમાં આગામી ૪ દિવસ માટે હોટલનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ૨૦ ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF)ની ૫૧ અને ફાયર વિભાગની લગભગ ૧૭૮ ટીમ તહેનાત કરવામાં આવી છે.’
ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દાના વાવાઝોડા ટકરાશે. તેથી પશ્ચિમ બંગાળના ૮ જિલ્લા, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા, કોલકાતામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ૨૬ મી ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે. NDRF અને ફાયર બ્રિગેડ સહિત ૮૫ રાહત ટીમો તહેનાત છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોલકાતા એરપોર્ટને એલર્ટ મોડમાં રાખ્યું છે. ૨૪ મી ઓક્ટોબરે સાંજે ૦૬:૦૦ વાગ્યાથી ૨૫ મી ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યા સુધી ફ્લાઈટ્સ રદ રહેશે. તમામ ૮ જિલ્લાના મંદિરો બંધ રહેશે. સરકારી અધિકારીઓ અને ડોકટરોની રજાઓ રદ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.