મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને (એનસીપી) શરદચંદ્ર પવાર જૂથે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. એનસીપી (શરદ પવાર) ના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ ઇસ્લામપુરથી ચૂંટણી લડશે
.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને (એનસીપી) શરદચંદ્ર પવાર જૂથે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી તરફથી ૪૫ ઉમેદવારોની જાહેરાત કરી છે. એનસીપી (શરદ પવાર) ના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે યાદી જાહેર કરી હતી. યાદી અનુસાર જયંત પાટીલ ઇસ્લામપુરથી ચૂંટણી લડશે. જિતેન્દ્ર આવ્હાડ મુમ્બ્રાથી ચૂંટણી લડશે. અનિલ દેશમુખ કાટોલથી ચૂંટણી લડશે. રોહિત પવાર કર્જત જામખેડેથી અને રોહિણી ખડસે મુક્તાઇનગરથી ચૂંટણી લડશે.
અજિત પવાર સામે ભત્રીજા યુગેન્દ્ર પવારને ટિકિટ
શરદ પવારે બારામતી સીટ પરથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યો છે. યુગેન્દ્ર શરદ પવારનો પૌત્ર અને અજિત પવારના ભાઇ શ્રીનિવાસ પવારનો પુત્ર છે.
ચૂંટણી પહેલા રાજ્યમાં સત્તા પર રહેલી અજિત પવારની એનસીપીને ઝટકો લાગ્યો છે. અજિત પવાર જૂથના એનસીપી નેતા સમીર ભુજબળે પાર્ટી છોડી દીધી છે. રાજ્ય સરકારમાં મંત્રી અને વરિષ્ઠ નેતા છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળ એનસીપીના મુંબઇ યુનિટના પ્રમુખ હતા. તેમણે નાંદગાંવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.
વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) એ તાજેતરમાં સીટ-વહેંચણી સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જે અંતર્ગત ગઠબંધનના ત્રણ પક્ષો વચ્ચે ૨૮૮ મતક્ષેત્રોમાંથી ૨૫૫ બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રત્યેકને ૮૫ બેઠકો મળી છે. જો MVA ચૂંટણી જીતે તો આ સમજુતી શરદ પવારના જૂથને મુખ્યમંત્રીના પદ માટે એક મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરે છે. શરૂઆતમાં લગભગ ૭૫-૮૦ બેઠકો પર લડવાનું લક્ષ્ય રાખતા, NCP (SP) એ વાટાઘાટો દરમિયાન વધુ સીટો મેળવી છે.