જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આતંકીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાનોના ઘાયલ થયા હોવાના આશંકા છે. મળતી વિગતો મુજબ, એલઓસી નજીક બોટાપત્થર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના વાહન પર હુમલો કરાયો છે. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, સેના તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.
પહેલા જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં ૨૦ મી ઓક્ટોબરે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકો હતા. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
ત્રણ ઓક્ટોબરના રોજ બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઘરમાં છૂપાયેલા ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાની ૫૨ મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-૨ ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો.