સ્પેનિશ પીએમની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે સ્પેનિશ સી-૨૯૫ એરક્રાફ્ટનું ઉત્પાદન વડોદરાના ટાટા એરક્રાફ્ટ પ્લાન્ટમાં કરવામાં આવશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે લગભગ બે દાયકા બાદ સ્પેનના પીએમ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વડોદરામાં મોટો રોડ શો પણ કર્યો હતો.
સ્પેનિશ પીએમની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે સ્પેનિશ સી-૨૯૫ એરક્રાફ્ટનું ઉત્પાદન વડોદરાના ટાટા એરક્રાફ્ટ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ અંગે ભારત અને સ્પેન વચ્ચે ૫૬ એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે.
પહેલા ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે અન્ય તમામ ૪૦ એરક્રાફ્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા ભારતમાં તેના વડોદરા પ્લાન્ટમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે પહેલીવાર દેશમાં કોઈ ખાનગી કંપની સેના માટે પ્લેન બનાવશે.
દેશની પ્રથમ ખાનગી અંતિમ એસેમ્બલી લાઇન છે, જે લશ્કરી વિમાનોનું ઉત્પાદન કરશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે સૈનિકો, શસ્ત્રો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. હળવા વજનના પરિવહનમાં પણ સી-૨૯૫ ભારતીય સેના માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે.
સી-૨૯૫ એરક્રાફ્ટની કામગીરીની વાત કરીએ તો તેને બે પાઇલોટ દ્વારા ઉડાડવામાં આવે છે. આમાં ૭૩ સૈનિકો, ૪૮ પેરાટ્રૂપર્સ, ૧૨ સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા ૨૭ સ્ટ્રેચર મેડેવેક અને ૪ મેડિકલ એટેન્ડન્ટ એકસાથે મુસાફરી કરી શકશે. પરિમાણો વિશે વાત કરીએ તો, આ સી-૨૯૫ એરક્રાફ્ટ ૯૨૫૦ KG વજન ઉપાડી શકે છે. તેની લંબાઈ ૮૦.૩ ફૂટ, પાંખો ૮૪.૮ ફૂટ, ઊંચાઈ ૨૮.૫ ફૂટ છે.
સી-૨૯૫ એરક્રાફ્ટમાં લગભગ ૭૬૫૦ કિલો ઇંધણ હોય છે. આ સિવાય તે ૪૮૨ KM/કલાકની ઝડપે ઉડી શકે છે. તેની બીજી ખાસ વાત એ છે કે તેને લેન્ડ કરવા માટે ટૂંકા રનવેની જરૂર પડે છે. ટેક ઓફ કરવા માટે ૮૪૪ મીટરથી ૯૩૪ મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. તે ૪૨૦ મીટર રનવે પર સરળતાથી લેન્ડ થઈ શકે છે. તેના ૬ ઉચ્ચ પોઈન્ટ છે. આ સિવાય ૮૦૦ કિલો વજનના હથિયારો પણ લગાવી શકાય છે.
ભારત માટે આ સી-૨૯૫ એરક્રાફ્ટ સૈનિકો, શસ્ત્રો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ એરક્રાફ્ટ ભારતના જૂના HS૭૪૮નું સ્થાન લેશે.