છેલ્લા ૧૩ વર્ષથી દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી, વિપક્ષ જાતી વસ્તી ગણતરીની માંગ કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વસ્તી ગણતરીને અંગે મોટી માહિતી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે આગામી વર્ષ ૨૦૨૫થી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. કોરોના પાનડેમિકને કારણે, ૨૦૨૧ માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી.
વસ્તી ગણતરીની સાયકલ પણ બદલાશે. અત્યાર સુધી દાયકાની શરૂઆતમાં વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. અગાઉ વર્ષ ૧૯૯૧, ૨૦૦૧, ૨૦૧૧ વગેરેમાં શરૂ થતી હતી. જો કે હવે ૨૦૨૫ પછી આગામી વસ્તી ગણતરી ૨૦૩૫, ૨૦૪૫, ૨૦૫૫ માં શરુ થશે.
વસ્તી ગણતરી હવે ૨૦૨૫ માં શરૂ થવાની સંભાવના છે. જો કે, વસ્તી ગણતરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ ચાલી રહી છે. અનુમાન મુજબ કે વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછો ૨ વર્ષનો સમય લાગશે.
વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન પણ શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ જાતિ ગણતરીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.
સામાન્ય રીતે વસ્તી ગણતરી દરમિયાન ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે. સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકોને એ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયના અનુયાયીઓ છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં, લિંગાયતો, જેઓ સામાન્ય વર્ગના છે, તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે.