આજથી પેટ્રોલિંગ શરુ.
ભારત અને ચીન વચ્ચે લદાખમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સીમા પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા તણાવનો અંત આવ્યો છે. બંને દેશોની સેનાઓ દ્વારા ડીસએન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજથી બંને દેશો તરફથી પેટ્રોલિંગ શરૂ થશે.
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર બંને દેશોની સેનાના ‘તણાવમાં ઘટાડો’ કરવાના નિર્ણયનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્વાગત કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે વોશિંગ્ટન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેમણે આ મામલે ભારતીય પક્ષ સાથે પણ ચર્ચા કરી છે. જો કે અમેરિકાએ એમ પણ કહ્યું કે આ કરારમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.
મિલરે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું, “અમે દરેક ઘટનાક્રમ પર નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ અને અમે સમજીએ છીએ કે બંને દેશોએ એલએસી પર ઘર્ષણ બિંદુઓથી સૈનિકોને દૂર કરવા માટે પ્રારંભિક પગલાં લીધાં છે.”
પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે સૈનિકો હટાવવાની પ્રક્રિયા મંગળવારે પૂર્ણ થઈ હતી. આ પ્રક્રિયા પછી, બંને દેશોની સેનાઓએ એકબીજાની સ્થિતિની ચકાસણી કરવાનું શરૂ કર્યું અને ઉભા કરેલા હંગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યા છે.
સૂત્રને જણાવ્યા મુજબ કે ડેપસાંગ મેદાનો અને ડેમચોકમાં કામચલાઉ બાંધકામો હટાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને બંને બાજુએથી અમુક અંશે ચકાસણી પણ કરવામાં આવી છે.
સમજૂતી બાદ બંને દેશોના સૈનિકો પીછેહઠ કરીને અગાઉની જગ્યાએ તૈનાત થઈ ગયા છે. હવે ૧૦ થી ૧૫ સૈનિકોની નાની ટુકડી વિવાદિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. સાડા ચાર વર્ષ પહેલા ચીનની ઘૂસણખોરી બાદથી પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે સૈન્ય અથડામણ થઇ હતી.