દિવાળી અને નવા વર્ષ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. ત્યારે દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર બ્રિગેડને ૧૬૦ થી વધારે આગના કૉલ આવ્યા હતા

તહેવાર સમયે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગની અનેક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ દરમિયાન આગની ઘટનાના ઘણા કૉલ્સ નોંધાયા છે. દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગને આગના કેટલાય કૉલ્સ મળ્યા છે. ત્રણ દિવસમાં ૧૬૦ થી વધારે આગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદમાં ફાયર વિભાગને આગની ઘટનામાં ૧૬૦ થી વધારે કૉલ્સ આવ્યા છે, જેમાં મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાથી બની હોવાનું સામે આવ્યું છે. તમામ કૉલમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી હતી અને દરેક ઘટનામાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. માહિતી અનુસાર, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી.
૧૬૦ જેટલા કૉલમાંથી ૮ જેટલા મોટા કૉલ નોંધાયા હતા. જેમાં સૌથી મોટો કૉલ કબાડી માર્કેટમાં આગનો હતો. માહિતી અનુસાર, દિવાળીના દિવસે ૮0 કૉલ, પડતર દિવસે ૫૦ કૉલ અને નવા વર્ષે ૩૦ થી વધુ કૉલ નોંધાયા હતા. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આગની ઘટનામાં ઘટાડો જોવા મળ્યો હતો.