ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ શરુ થયેલી વ્યાપક હિંસા દરમિયાન શેખ હસીના ને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું અને પરિવાર સાથે દેશ છોડી જવાની ફરજ પડી હતી. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે ભારતમાં આશ્રય લઇ રહ્યા છે, એવામાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલવા માટે ભારતને રેડ નોટીસ પાઠવી શકે છે.
રવિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ભાગેડુઓને ભારતથી પરત લાવવા માટે તેઓ ઇન્ટરપોલ ની મદદ લેશે, જેથી માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે હસીના અને અન્યો સામે કાર્યવાહી કરી શકાય. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર સરકાર વિરોધી વિદ્યાર્થી આંદોલનને હિંસા વડે દબાવવા માટે આદેશ આપવાનો આરોપ છે. જુલાઈથી ઓગસ્ટ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોના મોત થયા હતા.
બાંગ્લાદેશના કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે પુષ્ટિ કરી હતી કે બાંગ્લાદેશે હસીના માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, જે તેના મહેલ પર પ્રદર્શનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ભારત ભાગી ગઈ હતી. જો કે ભારત સરકારે હસીના ભારતમાં આશ્રય લઇ રહ્યા હોવા અંગે પુષ્ટિ કરી નથી.