અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, PMJY યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેના કારણે બે દર્દીના મોત નિપજ્યાં છે. જણાવી દઈએ કે, મહેસાણાના કડીના બોરિસણા ગામમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ ૭૦ વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને ૫૦ વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. ત્યારે હવે એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કાંડ સામે આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય નેતાઓ અને લોકોમાં ખુબ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
રાજકોટનો પરિવાર પણ ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બન્યો છે. બાલાસિનોરના એક યુવકને કડવો અનુભવ થયો છે. જાણ વિના જ ખ્યાતિ હોસ્પિટલે યુવકના પિતાનું અમૃતમ કાર્ડ કાઢ્યું હતું. પરિવારને જાણ કર્યા વિના જ ૧૬ જૂને યુવકના પિતાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. ખૂબ જ તાવ છતાં ૧૭ જૂને નરસિંહ પટેલ નામના દર્દીને રજા આપી દેવાઈ હતી. દર્દીના સગાએ પૂછપરછ કરતાં મુખ્ય ડૉક્ટર મૌન વ્રત પર હોવાનું જણાવ્યું હતું. ૧૮ જૂને તબિયત લથડતા દર્દીને ફરી ખ્યાતિ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું. અમૃતમ કાર્ડ દ્વારા સારવાર છતાં હોસ્પિટલે રૂપિયા પડાવ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રક્રિયાના નામે ૧૨ હજાર અને ઈમરજન્સીના નામે ૨૫ હજાર પડાવ્યા હતા.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જે અંગે આજે અમદાવાદ પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં DCP નીતા દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે પ્રાથમિક તપાસમાં અમે જવાબદાર લોકો સાથે વાતચીત કરી છે. મૃતક દર્દીઓના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. આ તપાસમાં એક્સપર્ટની ટીમની પણ મદદ લેવામાં આવી છે. આ સાથે જ આ પહેલા પણ જેટલા આ પ્રકારના કેસ બનેલ છે તેવી હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે લૂલો બચાવ કરતાં કહ્યું છે કે, પોલીસ તપાસમાં અમે સહયોગ આપીશું. અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પ થતાં હોય છે. ૨૦ દર્દીઓને તપાસની જરૂર હોવાથી અહીં બોલાવ્યા હતા. કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એસેસમેન્ટ અને રિપોર્ટ કરાયા હતા. જરૂર જણાતા ૭ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરાઇ હતી. સ્થિતિ ગંભીર હોવાથી ૭ માંથી ૨ દર્દીઓના મૃત્યુ થયા હતા. દર્દીઓ પોતાની મરજીથી અહીં આવ્યા હતા. તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કેમ્પ કરવા માટે અમે તમામ મંજૂરી લીધી હતી. તમામ દર્દીઓની સારવાર હાલ પૂર્ણ થઇ ચૂકી છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે કહ્યું કે, કયા કારણે મોત થયા હું ન કહી શકું. હું એ વિષયનો નિષ્ણાંત નથી. પેશન્ટની સહમતિ લીધી હતી. ખેદ છે કે તેઓ હવે આપણી વચ્ચે નથી. કેમ્પમાં આવવા માટે કોઇને દબાણ નથી કર્યું.
સોમવારે (11 નવેમ્બર) રાત્રે આ ઘટના બનતાં દર્દીઓના પરિવારમાં રોષ ફાટ્યો હતો. દર્દીઓના પરિવારજનોએ હોબાળો કર્યાં બાદથી જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તે દર્દીઓ તબીબોની ગેરહાજરીના કારણે રઝળી પડ્યાં હતાં. જેથી સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી છે.
આ વિશે વધુ માહિતી આપતાં PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે. તપાસ દરમિયાન જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યાં છે તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓની જરૂર જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જીયોપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે. જેમાંથી કેટલાંને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.
વધુમાં યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, PMJY ના નામે કરવામાં આવેલી છેતરપિંડીના દાવા વિશે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા સામે આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે દર્દીનું મોત થયું છે. દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો.
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, ‘અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.’