સુપરસ્ટાર રજનીકાંતને મળશે 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે’ અવોર્ડની જાહેરાત કરી છે. જેમાં તેમણે સાઉથ સુપર સ્ટાર થલાઇવા એટલે કે રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરે છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’ સુપરસ્ટાર રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે.

રજનીકાંતે કરી હતી રાજકારણમાં નહીં આવવાની જાહેરાત

રજનીકાંતે ત્રણેક મહિના પહેલાં રાજકારણમાં તેઓ નહીં આવે તેવી જાહેરાત કરી છે. તેમની તબિયત નાદુરસ્ત થતાં રજનીકાંતે જણાવ્યું હતું કે, ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું.

રજનીકાંતે વધુમાં કહ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે તેમના બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો તેમની કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.

રજનીકાંતે ડિસેમ્બર 2017માં જાહેર કર્યું હતું કે તેઓ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની પોલિટિકલ જર્ની શરૂ કરશે. આ માટે રજનીકાંત મક્કલ મંદરમ નામના બિનરાજકીય સંગઠનની પણ રચના કરી હતી. જોકે તેમણે ગત વર્ષે 3 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જાન્યુઆરી 2021માં રાજકીય પક્ષની રચના કરશે. પણ તે બાદ તેમની તબિયત નાદુરસ્ત થઇ હતી. અને 12 ડિસેમ્બરે તેમનાં જન્મ દિવસ પહેલાં જ રજનીકાંતે જાહેરાત કરી કે, ‘રાજકારણમાં આવ્યા વગર તેઓ લોકોની સેવા કરશે. મારા નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો. હું એવું નથી ઈચ્છતો કે લોકો એમ સમજ કે મને બલીનો બકરો બનાવી દેવામાં આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *