ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે વિશ્વમાં પ્રશંસા થાય છે. જેના કારણે વિશ્વના નકશા પર ભારતની એક અલગ ઓળખ ઊભી થઈ છે. વિશ્વમાં ભારતના વધતાં કદની સમગ્ર વિશ્વ નોંધ લઈ રહ્યું છે ત્યારે ભારતની ૨૦૨૫-૨૬ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં શાંતિ સ્થાપના આયોગના સભ્ય તરીકે ફરીથી પસંદગી કરવામાં આવી છે. આયોગમાં ભારતનો વર્તમાન કાર્યકાળ ૩૧ ડિસેમ્બરના રોજ સમાપ્ત થતો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી મિશને સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારતને ૨૦૨૫-૨૬ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગ (પીબીસી) માટે ફરીથી પસંદગી કરવામાં આવી છે.
સંસ્થાપક સભ્ય અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનામાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ભારત વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની દિશામાં કામ કરવા અને પીસીબી સાથે તેનું જોડાણ શરૂ રાખવા કટિબદ્ધ છે. પીસીબીમાં ૩૧ સભ્ય દેશો છે, જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સુરક્ષા પરિષદ તથા આર્થિક સામાજિક પરિષદમાંથી ચૂંટાય છે.
ભારતનું સૌથી મોટું યોગદાન
ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં વર્દીધારી કર્મીના રૂપમાં સૌથી મોટા યોગદાનકર્તા પૈકીનું એક છે. સંયુક્ત રાષ્ટ્રના અભિયાન અંતર્ગત વર્તમાનમાં ભારતના આશરે ૬૦૦૦ સૈન્ય અને પોલીસકર્મી મધ્ય આફ્રિકા, સાઈપ્રસ, કોંગો, લેબનાન, પશ્ચિમ એશિયા, સોમાલિયા, દક્ષિણ સુડાન અને પશ્ચિમ સહારામાં તૈનાત છે.