કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજદર માં ઘટાડો કરવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. નાણા મંત્રીના આ ટ્વીટ બાદ કરોડો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બુધવારે રાત્રે એવા સમાચાર આવ્યા હતા કે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, હવે આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.
નાણા મંત્રીની જાહેરાત બાદ ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજના દરો 2020-21ના અંતિમ ત્રિસમાસિક સમયગાળા દરમિયાન હતા તે જ શરૂ રહેશે. એટલ કે માર્ચ-2021 સુધી જે દરો હતા તે યથાવત રહેશે. આ યોજનાઓમાં કિસાન વિકાસ પત્ર (KVP), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના શામેલ છે.
1) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
PPF મધ્યમ વર્ગના લોકો માટે આ ખૂબ જ લોકપ્રીય ટેક્સ સેવિંગ સ્કીમ છે. સરકારે વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજ દરમાં 0.70 બેસિસ પોઇન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. જે બાદ નવો દર 6.4 ટકા થયો હતો. હવે જૂનો દર યથાવત રહેશે.
2) સુકન્ય સમૃદ્ધિ યોજના
દીકરીના શિક્ષણ અને તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં પણ મોટો ઘટાડો કરાયો હતો. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળતું હતું. જેને ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું હતું. અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. હવે જૂનો દર યથાવત રહેશે.
3) વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
કેન્દ્ર સરકારે સીનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ પર મળતું વ્યાજ 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કર્યું હતું. હવે જૂનો દર યથાવત રહેશે.
4) કિસાન વિકાસ પત્ર (KVP)
કેન્દ્ર સરકારના નિર્ણયથી કિસાન વિકાસ પત્ર પર બેવડો માર પડ્યો હતો. કારણ કે તેના પર વ્યાજ ઘટાડા ઉપરાંત તેની પાકતી મુદત 124 મહિનાથી વધારીને 138 દિવસ કરવામાં આવી હતી. હવે આ યોજના પહેલા જેવી જ રહેશે.