ડૉ. ચિરાગ ડૉકટરોને સાચવવા આપતો હતો મોંઘી ગિફ્ટ.
અમદાવાદના એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ચિરાગની ખેડામાંથી જ્યારે અન્ય બે આરોપીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. દરેક આરોપી પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા. હાલ આરોપીઓ રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
પૂછપરછ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, પીએમજેએવાય યોજનાના ડૉક્ટરો સાથે આરોપી કાર્તિક પટેલ સંપર્ક કરાવતો હતો. સંપર્ક કરાવ્યા બાદ ડૉ.ચિરાગ સંપર્કમાં આવેલા ડૉક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ આપતો હતો. કેટલાક ડૉક્ટરોને દારૂની બોટલો પણ આપતો હતો. આમાં આરોગ્ય વિભાગના ડૉક્ટરોની પણ સંડોવણીની આશંકા હોવાથી તેમની પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે. ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ધરપકડથી બચવા ભાગી રહ્યો છે.
પહેલા ઑસ્ટ્રેલિયા વેકેશન માણવા ગયા પછી ત્યાંથી ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો અને હવે કતારમાં છુપાયો હોવાની આશંકા છે.હૉસ્પિટલની ૭૦ % આવક સરકારી યોજનામાંથી થતીડૉક્ટર પ્રશાંતની ધરપકડ બાદ પકડાયેલા આરોપીની પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું કે, હોસ્પિટની ૭૦ % આવક સરકારી યોજનામાંથી અને ૩૦ % આવક જનરલ ઓપીડી તથા સર્જરીથી થતી હતી. સરકાર યોજનાના માધ્યમથી હૉસ્પિટલે માર્ચ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી ૧૧ કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. ક્રાઈમ બ્રાંચને ખ્યાતિ હૉસ્પિટલમાંથી બે પ્રકારના રજિસ્ટર પણ મળ્યા છે. એકમાં પાકી અને બીજીમાં કાચી એન્ટ્રી થથી હતી. આ રેકોર્ડ સીઈઓ રાહુલ મેંટેન કરતો હતો.
ખ્યાતિ હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે સરકારી યોજનાના માધ્યમથી પૈસા કમાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ચિરાગે તેની નીચે ટીમ રાખી હતી. જેમાં માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલ, અને માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ કામ કરતા હતા. મિલિન્દ પટેલ, પંકિલ અને પ્રતીક અલગ અલગ ગામડામાં મેડિકલ કેમ્પનું આયોજન કરતા હતા અને ઈન્ડોર પેશન્ટને હૉસ્પિટલ સુધી લાવવાનું કામ કરતા હતા. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, મલિન્દ સામે પહેલાથી જ છેતરપિંડીની બે એફઆઈઆર નોંધાયેલી છે.