માલવીયા નગરમાં પદયાત્રા સમયે બની ઘટના.
દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે, હુમલાનો પ્રયાસ કરનારા એક વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓએ દબોચી લીધો હતો. મળતી માહિતી અનુસાર, એક વ્યક્તિ દ્વારા કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કરાયો હતો.
દિલ્હીના માલવિયા નગરમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પાણી ફેંકવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માલવિયા નગર વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વ્યક્તિએ કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસના જવાનોએ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીનું નામ અશોક ઝા હોવાનું કહેવાય છે.
કેજરીવાલ પરના હુમલા પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલીઓ કરે છે, તેમના પર ક્યારેય હુમલો થતો નથી. અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. નાંગલોઈમાં ભાજપે તેમના પર હુમલો કર્યો હતો, છતરપુરમાં તેમના પર હુમલો થયો હતો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી કંઈ કરી રહ્યા નથી. આજનો હુમલાખોર સીધો ભાજપ સાથે જોડાયેલો છે.’