પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત અને ભૂટાન વચ્ચેની ભાગીદારીને સતત મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુકનું 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના સત્તાવાર નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. બંનેને અભિનંદન આપતાં વડાપ્રધાને આ વર્ષે માર્ચમાં તેમની રાજ્ય મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદી અને ભૂટાનના રાજાએ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ વધારવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભૂટાનના વિકાસને વેગ આપવા અને ભારતના સરહદી વિસ્તારો સાથેના સંબંધોને મજબૂત કરવા મહામહિમ દ્વારા અમલમાં મુકાયેલી ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી પહેલ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ ભૂટાનમાં આર્થિક વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને 13મી પંચવર્ષીય યોજના સમયગાળા માટે ભુતાનને ભારતની વિકાસ સહાય બમણી કરવા પર પ્રકાશ પાડ્યો હતો. ભૂટાનના રાજાએ સમૃદ્ધિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટેની ભૂટાનની આકાંક્ષાઓને સતત સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ ભૂટાનના રાજા અને રાણીના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આજે સવારે નવી દિલ્હી પહોંચતા વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.