ગુજરાતમાં ૧૭ લાખ જેટલા રત્ન કલાકારો છે પરંતુ હાલમાં આ ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. સુરત હીરા ઉદ્યોગમાં ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે.
ગુજરાતમાં ૧૭ લાખ જેટલા રત્ન કલાકારો છે પરંતુ હાલમાં આ ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. સુરત હીરા ઉદ્યોગમાં ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. દિવાળી બાદ બે લાખ જેટલા હીરાના કારીગરો નોકરી વિહોણા થયા છે અને ૧૮ મહિનામાં ૪૫ થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી પોતાની જિંદગી ટૂંકાવી છે. ત્યારે આ હીરા ઉદ્યોગને બચાવવા માટે સરકાર મદદ કરે તેવી રજૂઆત પણ વાંરવાર કરવામાં આવી રહી છે.
હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં હોય અને રત્ન કલાકારો તેમજ નાના વેપારીઓને આજીવિકા માટે આવકના બીજા કોઈ સ્ત્રોત ના હોવાથી પોતાનું અને પરિવારનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે રત્ન કલાકારોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓને માસિક ૧૦,૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવે, જેથી તેઓ આ મંદીના કપરા સમયમાં પોતાની આજીવિકા ચલાવી શકે. કેટલાક રત્ન કલાકારો મંદીના કારણે પોતાના બાળકોના અભ્યાસની ફીસ પણ ભરી શક્તા નથી. જેથી બાળકોના અભ્યાસને પણ આ મંદી અસર કરી રહી છે.
હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉધોગ પર જોવા મળશે. ચાઇનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે. ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં ૬૦ વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે. કેટલાક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.
યુક્રેન-રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. ત્યારે હવે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે બાળકોના અભ્યાસ પર પણ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા ઝોનમાં જ્યાં હજારો હીરાના કારખાના-ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે, ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી ૬૦૩ જેટલા બાળકોએ એલસી લઈને અધવચ્ચે અભ્યાસ છોડી દીધાની માહિતી પણ સામે આવી છે. જોકે અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ આ મામલે આગામી સમયમાં રિપોર્ટ મંગાવવાનું જણાવ્યું છે અને અમે તપાસ કરીને આ વિદ્યાર્થીઓએ સ્કૂલો કેમ છોડી છે, તેની વિગત મંગાવીશું. ખરેખરમાં વિદ્યાર્થીઓના વાલીઓ કયા કારણોસર બાળકોના એલસી લઈ ગયા તેની સચોટ જાણકારી રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.