અંબાલાલની ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી.
રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ત્યારે ઉત્તર ભારતથી પવન આવતા ઠંડી વધી છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરમાં ૧૦ થી ૧૪ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી સમયમાં હવામાન કેવું રહેશે એ અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી આવી ગઈ છે.
ગુજરાત માં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર ભારતથી ઠંડા પવન આવતા રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. મોટાભાગનાં શહેરમાં ૧૦ થી ૧૪ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ત્યારે હજુ પણ આગામી ૩ દિવસ ઠંડી યથાવત રહેશે એવી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી તા. ૧૬ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી ૧૭ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ૭૨ કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાશે. ૧૬ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૬ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજથી રાજ્યમાં વરસાદી છાંટાની સંભાવના છે.
૨૬ જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાત-પંચમહાલના ભાગોમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન રહેશે. મધ્ય ગુજરાતમાં ૧૫ ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં ૧૮ ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે, સાથે જ કમોસમી વરસાદ અને કરા પડવાની સંભવના પણ વ્યક્ત કરી છે.
રાજ્યમાં ૬ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું. અમદાવાદનું ૧૨.૫ ડિગ્રી તાપમાન, વડોદરાનું ૧૦ ડિગ્રી તાપમાન, ભુજનું ૧૧.૨ ડિગ્રી તાપમાન, દાહોદનું ૭.૫ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ માઉન્ટ આબુમાં માઈનસ ૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્ય માં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાની સંભાવના છે, જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.