શિયાળામાં ઘી ગોળનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. પાચનતંત્રમાં સુધારાથી લઇ હાડકાં મજબૂત કરે છે.
શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ઠંડીના કારણે શિયાળામાં શરીર આળસુ બની જાય છે અને ખાનપાનમાં પણ ફેરફાર થાય છે. શિયાળામાં શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં, ઉધરસ અને શરદીથી લઈને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે.
આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ શરીરને બીમારીઓથી બચાવવા અને શિયાળામાં ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે, જે અનુસરી તમે શિયાળામાં પણ એક્ટિવ અને ફિટ રહેશો.
ગોળ અને ઘીનું સેવન કેવી રીતે કરવું
- એક ચમચી દેશી ઘીમાં ગોળ મિક્સ કરી ખાવું જોઇએ
- બપોરના ભોજન પછી ૫ થી ૧૦ મિનિટ બાદ તેનું સેવન કરવું
આચાર્ય બાલકૃષ્ણના મતે શિયાળામાં ગોળ ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે. ઘીમાં વિટામિન-કે, વિટામિન-એ, વિટામિન-ડી, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ ગોળમાં આયર્ન, ફાઇબર, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
આંતરડા અને પાચન માટે સારું
ગોળ અને ઘી એક સાથે ખાવાથી ભોજન સરળતાથી પચી જાય છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા પણ ઓછી થાય છે. ઘી તમારા આંતરડા માટે પણ ફાયદાકારક છે. કબજિયાતથી પીડાતા લોકો માટે ઘી અને ગોળ એક સાથે ખાવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે, કારણ કે તેમાં ફાઇબર હોય છે. શિયાળાના ઠંડા વાતાવરણમાં ગોળ અને ઘીનું મિશ્રણ શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરશે. ઘી અને ગોળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં વટ, પિત્ત અને કફ જેવા દોષો સંતુલિત કરવામાં મદદ મળે છે. આ સાથે જ શરીર ઝડપથી કેલેરી બર્ન કરે છે.
હાડકાં મજબૂત થશે
ગોળમાં કેલ્શિયમ હોય છે અને ઘીમાં વિટામિન K2 હોય છે, જે હાડકાંમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. ઘી અને ગોળના સેવનથી હાડકા મજબૂત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધશે
ઘી અને ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને ઘણા ફેટી એસિડ્સ પણ હોય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિ માટે સારું છે. શિયાળામાં શરદી ઉધરસથી બચાવે છે. ગોળ સાથે ઘી મિક્સ કરી ખાવાથી પાચન ઉત્સેચકોનો સ્ત્રાવ વધે છે. તે પાચનમાં સુધારો કરે છે. ઘીમાં હાજર ચરબી અચાનક વધી જતા બ્લડ સુગર લેવલને કન્ટ્રોલ કરે છે.