જમ્મુ કાશ્મીરના સરહદી પૂંચ જિલ્લામાં એલઓસી પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે.
જમ્મુ કાશ્મીરના સરહદી પૂંચ જિલ્લામાં એલઓસી પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે. જ્યારે ૩ સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત બાલનોઈ વિસ્તારમાં થયો હતો જ્યારે આર્મીનું વાહન ખીણમાં પડી ગયું હતું.
સૂચના મળતા જ સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં ૮ થી ૯ સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બીજા જવાનોની સારવાર કરવામાં આવી રહી છે.
નીલમ મુખ્ય મથકથી બાલનોઇ ઘોરા પોસ્ટ તરફ જઇ રહેલા ૧૧ એમએલઆઈની સૈન્ય ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વાહન લગભગ ૩૦૦-૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું.
ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે પોતાના સત્તાવાર ટ્વિટર પર લખ્યું કે જમ્મુ-કાશ્મીર પુંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડતાં પાંચ જવાનો શહીદ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.