બુમરાહનો તરખાટ, કાંગારૂ બેટર ઘૂંટણીએ, ૯૯ રનમાં ૬ વિકેટ પડી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચ ૨૬ મી ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો ચોથો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર ૧૦૦ રનની નજીક પહોંચે તે પહેલાં જ તેની ૬ વિકેટો પડી ગઈ ગઇ હતી. માર્નસ લાબુશેન અને પેટ કમિન્સ ક્રિઝ પર હતા. અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહે ૪ અને મોહમ્મદ સિરાજે ૨ વિકેટ ઝડપી છે.
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત એટલી સારી રહી ન હતી. તેણે ૨૦ રનના સ્કોર પર ડેબ્યૂ કરનાર સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્ટાસ (૯ રન) જસપ્રીત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા (૨૧ રન)નું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. આ પછી ભારત જ્યારે વિકેટની શોધમાં હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ (૧૩)ને આઉટ કર્યો હતો. ત્યારપછી બુમરાહનો જાદુ શરૂ થયો. તેણે પહેલા ૩૪ મી ઓવરમાં ટ્રેવિસ હેડ (૧)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ (00)ને આઉટ કર્યો.
બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરી હતી.આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (૨)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્મિથ ૮૦ ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર ૧૧ રન બનાવ્યા હતા અને ૪ વિકેટ ગુમાવી દીધી હતી.