૧નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા…
અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લા સાઈબર ટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત ઘાયલ થયા હતા. પોલીસે બુધવારે આ જાણકારી આપી. જોકે તપાસ અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો?
અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાઈબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમ? ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.
લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.
મસ્કે કહ્યું- આ વિસ્ફોટને ન્યૂ ઓર્લિયન્સની ઘટના સાથે સંબંધ
મેકમહિલે જણાવ્યું હતું કે સાઈબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઇબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટુરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા.
મસ્કનો આતંકી હુમલાનો દાવો
મસ્કનું કહેવું છે કે સાઈબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે X પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે. આ સાઈબર ટ્રક અને ન્યુ ઓર્લિયન્સમાં એફ-૧૫૦ આત્મઘાતી બોમ્બર બંને ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા.