મમતા બેનરજીના નજીકના TMC નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે સવારે (૨ જાન્યુઆરી) તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર દુલાલ સરકારની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. બાઈક પર આવેલા બદમાશોએ ઝાલઝાલિયા વિસ્તારમાં આવી TMCના માલદાના કાઉન્સિલર સરકારને માથામાં ગોળી મારી હત્યા કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘સરકારને ગોળી વાગ્યા બાદ તેમને તુરંત નજીકની હોસ્પિટલ લઈ જવાયા, જોકે તેમણે દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે ગોળીબાર કરનારા બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

મમતા બેનરજીના નજીકના TMC નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, CCTVમાં ઘટના કેદ 1 - image

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પીટીઆઈ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટીએમસીના કાઉન્સિલર દુલાલ સરકાર પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. તે પોતાની દુકાને બેઠા હતા ત્યારે કેટલાક લોકો તેમની પાસે આવ્યા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એવું બહાર આવ્યું છે કે, બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને ખૂબ નજીકથી માથામાં ઘણી વખત ગોળી મારી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાની ગોળી મારી હત્યા, બાઇક સવાર બદમાશોએ  કર્યો હુમલો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દુલાલ સરકારની હત્યા મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. સરકાર બાબલાના નામથી જાણીતા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મારા નજીકના સહયોગી અને ખૂબ જ લોકપ્રિય નેતા બાબલા સરકારની આજે હત્યા કરવામાં આવી છે. તેમણે અને તેમની પત્ની ચૈતાલી સરકારે શરૂઆતથી જ તૃણમુલ કોંગ્રેસ માટે અથાગ મહેનત કરી અને બાબલાની કાઉન્સિલ તરીકે પસંદગી થઈ હતી. હું આ ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. ભગવાન ચૈતાલીને જીવન જીવવાની અને લડવાની શક્તી આપે.’

કાઉન્સિલની દર્દનાક હત્યા બાદ પશ્ચિમ બંગાળની રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ટીએમસીના મહાસચિવ અભિષેક બેનરજીએ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકીય સંબંધોએ તપાસને પ્રભાવિત ન કરવી જોઈએ. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *