ગ્રામ પંચાયતનો ખોટો લેટર બનાવી બે ભાઈઓએ આચર્યું જમીન કૌભાંડ

જસદણના નવા ગામમાં રહેતા ભોજાણી બંધુઓએ જમીન ૬ લાખમાં ખરીદી હોય તેવું લખાણ કર્યું : સરપંચની ખોટી સહી-સિક્કા કરી તેના આધારે ખોટો દસ્તાવેજ બનાવ્યો : તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂ કરતાં ભાંડો ફૂટ્યો

જસદણના નવા ગામમાં રહેતા ભોજાણી બંધુઓએ નવાગામ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કર્યા બાદ તેને કાયદેસર બતાવવા માટે ગ્રામ પંચાયતનો ખોટો લેટર બનાવી તેમાં ગ્રામ પંચાયત પાસેથી તેણે આ જમીન ૬ લાખમાં ખરીદી હોય તેવું લખાણ કરાવ્યું હતું. તેના આધારે ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો.જે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજુ કર્યો હતો. અને બાદમાં આ કૌભાંડ સામે આવતા નવાગામના સરપંચની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગતો મુજબ, જસદણ તાલુકાના નવા ગામમાં જૂની પ્રાથમિક શાળા પાસે રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા ગંગદેવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ ૫૪)એ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અને જસદણના નવા ગામમાં જ રહેતા મનજી ઉર્ફે મનુ રૂપાભાઈ ભોજાણી અને વલ્લભ રૂપાભાઈ ભોજાણીના નામ આપતા જણાવ્યું હતું કે, આરોપી મનજી અને તેના ભાઈ વલ્લભે નવાગામમાં ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હતું. જેથી તેને અવાર-નવાર આ દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું હતું તેમજ નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ આરોપી કોઈપણ રીતે દબાણવાળી જગ્યા પોતાના નામે કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા.

દરમિયાન આ બંને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી લેવા માટે નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવી અથવા મેળવી આ લેટરપેડમાં આરોપીઓએ ગ્રામ પંચાયત પાસેથી આ જમીન ખરીદ કરી છે તેમજ તેમણે જમીન ખરીદી માટે સરપંચને રૂપિયા ૬ લાખ આપ્યા છે તેવા લખાણવાળા લેટરપેડમાં નીચે સરપંચની ખોટી સહી કરી તેના આધારે ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. જે ખોટો દસ્તાવેજ સાચા તરીકે સાબિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂ કર્યો હતો.આ દસ્તાવેજ શંકા જણાતા આ બાબતે તપાસ થતા દસ્તાવેજ ખોટો હોવાનું માલુમ પડયું હતું. ત્યારબાદ આ બાબત ધ્યાનમાં આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *