અમદાવાદ-ગાંધીનગરનું થઈ શકે છે વિભાજન…
તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં નવા જિલ્લાની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે કે સરકાર આગામી સમયમાં અન્ય જિલ્લાઓનુ પણ વિભાજન કરી નવા જિલ્લાની જાહેરાત કરી શકે છે.
ગુજરાત સરકાર આગામી સમયમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાના વિભાજન કરીને તેમાંથી જ ચારથી પાંચ નવા જિલ્લાઓની રચના કરવા માટેની વિચારણા કરી રહી છે. હાલ સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી આપતા કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ પર પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ સંખ્યા વધુ થઈ શકે તેવી શક્યતાઓ છે
આગામી સમયમાં સરકાર અમદાવાદ જિલ્લાનું વિભાજન કરીને અમદાવાદ શહેર અલગ જિલ્લો તેમજ વિરમગામને નવા જિલ્લા તરીકે જાહેર કરી શકે છે. જે હાલના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ભાગોને જોડીને બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત કચ્છના ભાગોને જોડીને નવો જિલ્લો જાહેર કરવામાં આવી શકે છે.
કચ્છમાંથી બની શકે છે બે જિલ્લા
ભૌગોલિક રીતે વિસ્તરેલા ખૂબ જ મોટા જિલ્લા કચ્છને પણ વિભાજિત કરીને તેમાંથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ એવા બે અલગ જિલ્લામાં વિભાજીત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વડા પ્રધાનના વતન વડનગરને મહેસાણામાંથી નવા જિલ્લા તરીકે બનાવવાની જાહેરાત કરવાની પર વિચારણા કરી રહી છે.
બનાસકાંઠાનું વિભાજન
હાલના બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.