કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ, બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે પોતાના વાલીઓની મંજૂરી લેવી પડશે.
હવે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ૨૦૨૩ ના ડ્રાફ્ટ નિયમોમાં સામેલ છે, જે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે કાયદાકીય માળખાને મજબૂત કરવાનો છે.
ડ્રાફ્ટ નિયમોમાં ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ૨૦૨૩ હેઠળ વ્યક્તિઓની સંમતિ મેળવવા, ડેટા પ્રોસેસિંગ સંસ્થાઓ અને અધિકારીઓના કામગીરી સંબંધિત જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડતા જાહેરાત કરી કે લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સૂચનો સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા આપી શકાશે. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ પછી ફીડબેક પર વિચાર કરવામાં આવશે.
ડ્રાફ્ટમાં, સગીર બાળકો અને વિકલાંગ લોકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે, જો કે તેના ઉલ્લંઘન માટે કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. ડ્રાફ્ટ અનુસાર, બાળકોના ડેટાના કોઈપણ ઉપયોગ માટે માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. એટલે કે, માતાપિતાની સંમતિ વિના, કોઈપણ ડેટા ફિડ્યુસિયર્સ (સંસ્થાઓ કે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે) બાળકોના ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. સંમતિની પુષ્ટિ માટે ફિડ્યુસિયર્સને સરકારી ID કાર્ડ અથવા ડિજિટલ ઓળખ ટોકન (જેમ કે ડિજિટલ લોકર સાથે સંકળાયેલ ટોકન) નો ઉપયોગ કરવો પડશે. જો કે, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળ કલ્યાણ સંસ્થાઓને આ નિયમોની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લગભગ ૧૪ મહિના પહેલા સંસદે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-૨૦૨૩ને મંજૂરી આપ્યા બાદ ડ્રાફ્ટ નિયમો જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવ્યા છે. ડ્રાફ્ટ MyGov વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ડ્રાફ્ટમાં બાળકોના ડેટા પર વિશેષ ધ્યાન આપવા ઉપરાંત ડ્રાફ્ટ નિયમો ગ્રાહક અધિકારોને પણ મજબૂત બનાવવામાં આવ્યા છે. યુઝર્સને તેમનો ડેટા ડિલીટ કરવાનો અને તેમનો ડેટા કેમ અને કેવી રીતે એકત્ર કરવામાં આવે છે તે અંગે કંપનીઓ પાસેથી પારદર્શિતાની માંગ કરવાનો અધિકાર હશે. ડેટા ઉલ્લંઘનના કિસ્સામાં ૨૫૦ કરોડ રૂપિયા સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી છે, આ ડેટા ફિડ્યુસિયર્સની જવાબદારી સુનિશ્ચિત થશે. ઉપભોક્તાઓને ડેટા સંગ્રહની પ્રક્રિયાઓને પડકારવાનો અને ડેટાના ઉપયોગ અંગે સ્પષ્ટતા મેળવવાનો અધિકાર પણ હશે.
ડ્રાફ્ટ અનુસાર, ડેટા ફિડ્યુસિયરીએ એ તપાસ કરવી પડશે કે બાળકના માતાપિતા તરીકે પોતાને ઓળખાવનાર વ્યક્તિ પુખ્ત છે અને ભારતમાં લાગુ કાયદાનું પાલન કરે છે. ડેટા ફિડ્યુસિયર્સ બાળકોનો ડેટા ફક્ત તે સમયગાળા માટે જ રાખી શકશે જે માટે સંમતિ આપવામાં આવી છે. આ પછી તેને દૂર કરવું પડશે. ડ્રાફ્ટ નિયમોમાં ઈ-કોમર્સ એન્ટિટી, ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીઓ અને સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ જેવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ મધ્યસ્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમના માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મધ્યસ્થી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે યૂઝર્સ વચ્ચે ઓનલાઇન વાતચીતને પ્રાથમિકતા આપે છે, જેમાં માહિતીના વિનિમય, પ્રસાર અને સંશોધન સામેલ છે.
આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, સરકાર ડેટા પ્રોટેક્શન બોર્ડની સ્થાપના કરશે, જે સંપૂર્ણ ડિજિટલ નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરશે. આ બોર્ડ દૂરસ્થ સુનાવણી હાથ ધરશે, ઉલ્લંઘનની તપાસ કરશે, દંડ લાદશે અને સંમતિ સંચાલકોની નોંધણી કરશે. સંમતિ સંચાલકોએ બોર્ડમાં નોંધણી કરાવવી આવશ્યક છે.