ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આટલું જ નહીં તિબેટમાં પણ ભૂકંપના આંચકા આવ્યા, અહીં રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૬.૮ નોંધવામાં આવી હતી.
નેપાળ સરકાર અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭ ની નોંધાઈ છે. વહેલી સવારે ૦૬:૩૫ વાગ્યે આવેલા ભૂકંપના કારણે સમગ્ર નેપાળની ધરા ધણધણી ઉઠી હતી. જ્યારે લોકો ઊંઘમાંથી ઊઠવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આંચકા આવતા જીવ પડીકે બંધાયા હતા. નેપાળના પાટનગર કાઠમાંડુંમાં પણ લોકો બૂમો પાડીને ઘરોની બહાર આવી ગયા હતા. જોકે અત્યાર સુધી કોઈ પણ જાનમાલના નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી.
નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા. બિહાર અને બંગાળમાં ૧૦થી વધુ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા.