મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે NCP-SP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવારના તાજેતરના એ નિવેદન પર કટાક્ષ કર્યો છે, જેમાં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રશંસા કરી હતી. ફડણવીસે કહ્યું કે, ‘શરદ પવાર ચાણક્ય’ છે. તેમને પણ અનુભવ થયો હશે કે લોકસભા ચૂંટણી 2024માં મહાવિકાસ અઘાડી દ્વારા પ્રચાર કરવામાં આવેલ ફેક નેરેટિવ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે પંચર થઈ ગયું. શરદ પવારના ધ્યાનમાં આવ્યું હશે આ શક્તિ (RSS) નિયમિત રાજનીતિ કરનારી નથી, તે રાષ્ટ્ર નિર્માણ કરનારી શક્તિ છે. અંતે વ્યક્તિએ પોતાના વિરોધીના પણ વખાણ કરવા પડે છે. એટલા માટે તેમણે RSSની પ્રશંસા કરી હશે.
NCP (શરદચંદ્ર પવાર) અને NCP (અજિત પવાર ના ફરી નજીક આવવા અથવા એક થવાની સંભાવના પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘હું તમને જણાવી દઉં કે તમે ૨૦૧૯ પછી મારા નિવેદનો સાંભળ્યા હશે. ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી જે ઘટનાઓ ઘટી છે, તેનાથી મને એ તો સમજાઈ ગયું છે કે રાજ્યમાં કંઈ પણ અશક્ય નથી. કોઈએ એવું વિચારીને આગળ ન વધવું જોઈએ કે આ વસ્તુ ન થઈ શકે. કંઈ પણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે ત્યાં જઈ શકે છે, અજિત પવાર અહીં આવી શકે છે. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે છાતી ઠોકીને બોલી દઈએ કે આવું નહીં થશે, ત્યારે રાજનીતિક પરિસ્થિતિઓ તમને ક્યાં લઈ જઈને બેસાડી દેશે તેનો કોઈ ભરોસો નથી.
દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં વરિષ્ઠ RSS નેતા વિલાસ ફડણવીસની સ્મૃતિમાં આયોજિત એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, ‘RSSએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં અરાજકતાવાદી શક્તિઓ સામે લડવા માટે રાષ્ટ્રીય દળોને એકત્ર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.મહારાષ્ટ્રની ચૂંટણીમાં અમે RSS વિચાર પરિવારને વિનંતી કરી હતી કે રાષ્ટ્રીય દળોએ અરાજકતાવાદી દળો સામે એક સાથે આવવાની જરૂર છે.’ આરએસએસ વિચારધારા પરિવારના વિવિધ વર્ગોના લોકોએ પોતપોતાના વિસ્તારોમાં અરાજકતા સામે લડવા માટે પોત-પોતાના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે.’
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી એક ખોટા નેરેટિવમાં સફળ રહી. તેનાથી તેમને વધુ પડતો આત્મવિશ્વાસ આવી ગયો કે તેઓ આ પ્રકારના ફેક નેરેટિવ ફેલાવીને સત્તામાં આવી શકે છે. અમને બધાને લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ વિશ્વાસ હતો. અમને લાગ્યું કે અમે જીતી રહ્યા છીએ. તેથી અમને લાગ્યું કે વિપક્ષ દ્વારા બંધારણ બદલવા વગેરેની વાતોનો જનતા પર કોઈ પ્રભાવ પડશે નહીં. અમને લાગતું હતું કે વોટ જેહાદની કોઈ અસર નહીં થાય, પરંતુ કમનસીબે અમે તેની અસર જોઈ. તમને જણાવી દઈએ કે, પાર્ટી કાર્યકરો સાથેની મુલાકાત દરમિયાન શરદ પવારે મહારાષ્ટ્રમાં ભાજપની જીતનો શ્રેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપતા કહ્યું હતું કે, ‘આરએસએસ કેડર સંગઠનની વિચારધારા પ્રત્યે મજબૂત નિષ્ઠા દર્શાવે છે. આપણી પાસે પણ એવો કેડર બેઝ હોવો જોઈએ જે છત્રપતિ શાહુ મહારાજ, મહાત્મા ફુલે, બીઆર આંબેડકર અને યશવંતરાવ ચવ્હાણની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય.’
NCP-SPના પ્રમુખ શરદ પવાર જૂથની આજે યોજાયેલી બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં હાર સહિત અનેક મુદ્દાઓ પર મંથન અને ચર્ચાઓ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP-SPની શરમજનક હાર થઈ હતી, પરંતુ હવે શરદ પવારે આરએસએસની ભરપૂર પ્રશંસા કરી છે. આ ઉપરાંત શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ આરએસએસના કાર્યકર્તાઓની મહેનતથી ખુશ થયા છે.
બેઠકમાં ઉપસ્થિત રહેલા શરદ પવારે મહાવિકાસ અઘાડીની હાર માટે RSSને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘે ચૂંટણીમાં જોરદાર કામ કર્યું હતું. ભાજપ અને સંઘના મેન્જમેન્ટના કારણે જ તેમની જીત થઈ છે. સંગઠનનું પ્લાનિંગ સારું હતું. તેઓએ ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો. આ જ કારણે મહાયુતિને જીત મળી અને મહાવિકાસ અઘાડીની હાર થઈ.