હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણનાં દિવસે પવનની આગાહી સામે આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ ઉડાવવા મહેનત નહી કરવી પડે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણનાં દિવસે પતંગરસિયાઓને ખુશ કરે તેવી આગાહી કરી છે. જેમાં પતંગરસિયાઓ માટે ઉત્તરાયણનાં દિવસે તેમજ વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ ઉડાવવા મહેનત કરવી પડશે નહી. તેમજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લામાં ૬ થી ૧૪ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. ૧૪ થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નલિયામાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૧૪.૨, ડીસામાં ૧૪.૬, અમદાવાદમાં ૧૬.૬ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.