દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ પણ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા પહોંચી હતી પરંતુ તેમના સમર્થકોના હોબાળાને કારણે તેમની ધરપકડ થઈ શકી ન હતી.
બુધવારે સવારે સેંકડો પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ યોલના નિવાસસ્થાને પહોંચ્યા. તે પોતાના અંગત સુરક્ષા દળ સાથે ઘણા અઠવાડિયાથી અહીં રોકાયેલા હતા. ઉલ્લેખનીય છે કે યોલ દક્ષિણ કોરિયાના પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓએ યોલના ઘરમાં પ્રવેશવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસ સીડીઓ ચઢીને યોલના ઘરમાં પ્રવેશી અને તેમની ધરપકડ કરી. સમર્થકોના હોબાળા વચ્ચે આ ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા હતા.
ધરપકડ બાદ, રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું છે કે મારી સામે શરૂ કરાયેલી તપાસ ગેરકાયદેસર છે. મેં CIO સમક્ષ હાજર થવાનો નિર્ણય લીધો છે, ભલે તે ગેરકાયદેસર તપાસ હોય. મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી કોઈ મોટી અનહોની ન સર્જાય. ઉલ્લેખનીય છે કે ૩ ડિસેમ્બરની રાત્રે દેશમાં અચાનક માર્શલ લો લાગુ કર્યા બાદ પ્રમુખ યોનની ચોતરફી ટીકા થવા લાગી હતી.