સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (૧૫ જાન્યુઆરી) મોટો ઇતિહાસ રચ્યો છે. રાજકોટમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝના અંતિમ મુકાબલામાં આયરલેન્ડને ૩૦૪ રનની મોટી લીડથી હરાવ્યું. આ મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ છે.
આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ભારતીય મહિલા ટીમે ૩૦૦ કે તેનાથી વધુ રનથી વનડે ક્રિકેટમાં જીત મેળવી હોય. આ પહેલા ભારતીય ટીમના નામે ૨૪૯ રનના અંતરથી જીતનો રેકોર્ડ હતો, જે તેમણે ૨૦૧૭ માં આયરલેન્ડ વિરૂદ્ધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ODIમાં ભારતીય મહિલા ટીમે વનડે મેચમાં રેકોર્ડ ૪૩૫ રન બનાવી ઈતિહાસ સર્જ્યો છે. ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે ૫૦ ઓવરમાં રેકોર્ડ ૪૩૫ રન બનાવી ભારતીય પુરૂષ ટીમને પણ પાછળ પાડી દીધી છે. ઉલ્લેખનીય છે, ભારતીય પુરૂષ ટીમનો વનડે રન રેકોર્ડ ૪૧૮ છે. ૨૦૧૧ માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય પુરૂષ ટીમે આ રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ૪૦૦ રનનો આંકડો ક્રોસ કરવામાં સફળ રહી હતી. આ સાથે રેકોર્ડ સ્કોર રચી મહિલા-પુરૂષની વનડે મેચમાં ઈતિહાસ બનાવ્યો હતો. અગાઉ ૧૨ જાન્યુઆરીએ ભારતીય મહિલા ટીમે ૩૭૦ રન બનાવીને ODIમાં સર્વોચ્ચ ટીમ સ્કોર બનાવ્યો હતો.
આયર્લેન્ડ સાથેની સીરીઝમાં હરમનપ્રીત કૌરના સ્થાને કેપ્ટનશીપ કરી રહેલી મંધાનાએ ૧૦ મી સદી ફટકારી હતી. આ સાથે મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ તે મહિલા વનડેમાં ૧૦ કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ક્રિકેટર પણ બની છે. સ્મૃતિએ રાજકોટમાં ત્રણ મેચની અંતિમ વનડે સીરિઝમાં આયર્લેન્ડ સામે માત્ર ૭૦ બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં ૮૦ બોલમાં ૧૩૫ રન બનાવ્યા હતા, જેમાં સાત છગ્ગા અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલાં હરમનપ્રીત કૌરે ગયા વર્ષે બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે ૮૭ બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
હરમનપ્રીતે ૨૦૧૭ થી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જ્યારે તેણે ૨૦૧૭ ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ડર્બીમાં ૯૦ બોલમાં સદી ફટકારી હતી. મહિલા વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મેગ લેનિંગના નામે છે, જેણે ૨૦૧૨ માં ન્યૂઝીલેન્ડ સામે ૪૫ બોલમાં સદી ફટકારી હતી.
મહિલા વનડેમાં ૪૦૦ થી વધુનો સ્કોર
૪૯૧/૪ – ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, ૨૦૧૮
૪૫૫/૫ – ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, ક્રાઈસ્ટચર્ચ, ૧૯૯૭
૪૪૦/૩ – ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, ૨૦૧૮
૪૩૫/૫ – ભારત vs આયર્લેન્ડ, રાજકોટ, ૨૦૨૫
૪૧૮ – ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, ૨૦૧૮
૪૧૨/૩ – ઓસ્ટ્રેલિયા vs ડેનમાર્ક, મુંબઈ, ૧૯૯૭
મહિલા ODIમાં ભારતીય ક્રિકેટર્સનો રેકોર્ડ સ્કોર
૧૮૮ – દીપ્તિ શર્મા vs આયર્લેન્ડ, પોચેફસ્ટ્રુમ, ૨૦૧૭
૧૭૧* – હરમનપ્રીત કૌર vs ઓસ્ટ્રેલિયા, ડર્બી, ૨૦૧૭
૧૫૪ – પ્રતિક રાવલ vs આયર્લેન્ડ, રાજકોટ, ૨૦૨૫
૧૪૩* – હરમનપ્રીત કૌર vs ઈંગ્લેન્ડ કેન્ટરબરી, ૨૦૨૨
૧૩૮* – જયા શર્મા vs પાકિસ્તાન, કરાચી, ૨૦૦૫
પ્રતિકા રાવલે પણ પોતાની પ્રથમ વનડે સદી ફટકારી
આ મેચમાં સ્મૃતિ સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ ૧૨૯ બોલમાં ૧૫૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ૨૦ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા હતાં. પ્રતિકાની આ પ્રથમ વનડે સદી હતી. પ્રતિકા રાવલે અત્યાર સુધી છ વનડે ઇનિંગ્સમાં ૭૪ ની એવરેજથી ૪૪૪ રન બનાવ્યા છે. પ્રથમ છ મહિલા વન-ડે પછી કોઈપણ ખેલાડી દ્વારા બનાવેલા આ સૌથી વધુ રન છે. આ મેચમાં પ્રતિકા અને કેપ્ટન મંધાનાએ પ્રથમ વિકેટ માટે ૨૬.૪ ઓવરમાં ૨૩૩ રનની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબર પર રમવા આવેલી રિચા ઘોષે પણ ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી.
મહિલા વનડેમાં સૌથી ઝડપી સદી
મેગ લેનિંગ: ન્યૂઝીલેન્ડ સામે ૪૫ બોલમાં, ૨૦૧૨/૧૩
કેરેન રોલ્ટન: દક્ષિણ આફ્રિકા સામે ૫૭ બોલમાં, ૨૦૦૦/૦૧
સોફી ડિવાઇન: આયર્લેન્ડ સામે ૫૯ બોલમાં, ૨૦૧૮
હર્ષિતા જયંગાણી: ન્યૂઝીલેન્ડ સામે ૬૦ બોલમાં, ૨૦૨૩
મેડી ગ્રીન: આર્યલેન્ડ સામે ૬૨ બોલમાં, ૨૦૧૮
નેટ સાયવર: શ્રીલંકા સામે ૬૬ બોલમાં, ૨૦૨૩
ચાર્લોટ એડવર્ડ્સ: ન્યૂઝીલેન્ડ સામે ૭૦ બોલમાં, ૨૦૧૧/૧૨
સ્મૃતિ મંધાના: આયર્લેન્ડમાં ૭૦ બોલમાં, ૨૦૨૪
મહિલા વનડેમાં સૌથી વધુ સદી
મેગ લેનિંગ – ૧૦૩ મેચમાં ૧૫ સદી
સુઝી બેટ્સ – ૧૬૮ મેચમાં ૧૩ સદી
ટેમી બ્યુમોન્ટ – ૧૨૬ મેચમાં ૧૦ સદી
સ્મૃતિ મંધાના – ૯૭ મેચમાં ૧૦ સદી