પેરિસ ઑલિમ્પિકમાં શૂટિંગની રમતમાં કમાલ કરનારી શૂટર મનુ ભાકરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવી હતી.
મનુ ઉપરાંત ભારતીય પુરુષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન મળ્યો તો ચેસની રમતમાં વિશ્વ ચેમ્પિયન બનનાર ડી.ગુકેશ, પૈરા એથ્લીટ પ્રવીણ પણ ખેલ રત્નથી સન્માનિત થયા હતા.
૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો જેમાં ૧૭ પેરા એથ્લીટ સામેલ હતા. નેશનલ સ્પોર્ટસ એવોર્ડનું આયોજન રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજેતાઓનું સન્માન કર્યું. તેમણે સૌથી પહેલાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપ્યો હતો. એવોર્ડના તમામ વિજેતાઓને રાષ્ટ્રપતિના હસ્તે પ્રશંસાપત્ર પણ એનાયત કરાયું હતું. આ તકે પાંચ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો હતો જેમાં સુભાષ રાણા (પેરા શૂટિંગ), દીપ્તિ દેશપાંડે (શૂટિંગ), સંદીપ સાંગવાન (હૉકી), એસ.મુરલીધરન (બેડમિન્ટન) અને અરમાન્ડો કોલાકો (ફૂટબોલ) સામેલ છે. જ્યારે ક્રિકેટની રમતમાં આ વખતે એક પણ ખેલાડીને એવોર્ડ મળ્યો ન્હોતો.