આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલાં હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને બાદમાં તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો.
આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, ‘ભાજપ હારના ડરથી ભાન ભૂલી ગઈ છે. ભાજપે પોતાના ગુંડાને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે. ભાજપ ઉમેદવાદ પ્રવેશ વર્માએ ગુંડાઓને ચૂંટણી પ્રચાર સમયે અરવિંદ કેજરીવાલ પર ઈંટ-પથ્થરથી હુમલો કરી તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ પ્રચાર ન કરી શકે. ભાજપ વાળાઓ… તમારા આ કાયરતાપૂર્વક હુમલાથી કેજરીવાલ ડરવાના નથી, દિલ્હીની જનતા તમને વળતો જવાબ આપશે.’
ભાજપે વળતો પ્રહાર કર્યો છે. નવી દિલ્હી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે, ‘કેજરીવાલની કાળા રંગની કાર અમારા કાર્યકર્તાઓને કચડીને ગઈ છે. અમારા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે અને હું તેના ખબર-અંતર લેવા લેડી હાર્ડિંગ જઈ રહ્યો છું. છેલ્લાં 11 વર્ષથી દિલ્હીમાં જે સરકાર ચાલી રહી છે, તેણે દિલ્હીમાં ન ફક્ત ભ્રષ્ટાચાર ફેલાવ્યો, પરંતુ દિલ્હીને બર્બાદ પણ કરી દીધી. આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરૂ છું કે, તમારે દિલ્હીને બચાવવાની છે, 11 વર્ષમાં યમુના ન ફક્ત ગંદી થઈ છે, પરંતુ ગટર જેવી બની ગઈ છે.
કેજરીવાલ પર હુમલાને લઈને દિલ્હી પોલીસે કહ્યું કે, તેમના પર કોઈ હુમલો નથી થયો. લાલ બહાદુર સદનમાં અરવિંદ કેજરીવાલની એક પબ્લિક મીટિંગ હતી. જેમાં ભાજપના અમુક સવાલ પૂછવા આવ્યા હતાં. આ દરમિયાન બંને તરફથી નારાબાજી થઈ. પોલીસે બંનેને દૂર કરી દીધા હતાં.