બહુ ઓછા લોકો જાણે છે કે કોઈ પણ એક્સરસાઇઝ કરવા માટે યોગ્ય ટેકનિકની જરૂર પડે છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે વર્કઆઉટ્સ તમને કયા સમયે નુકસાન પહોંચાડી શકે છે અને શા માટે
તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો આ વાત જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ખોટા સમયે વર્કઆઉટ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે?
બહુ ઓછા લોકો જાણે છે કે કોઈ પણ એક્સરસાઇઝ કરવા માટે યોગ્ય ટેકનિકની જરૂર પડે છે એટલું જ નહીં એને યોગ્ય રીતે કેવી રીતે કરવી એ પણ તમને આવડવું જોઈએ. તમે કયા સમયે એક્સરસાઇઝ કરી રહ્યા છો એના પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે વર્કઆઉટ્સ તમને કયા સમયે નુકસાન પહોંચાડી શકે છે અને શા માટે.
શું કહે છે એક્સપર્ટ?
પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્સપર્ટ સમજાવે છે કોઈ પણ વ્યક્તિએ ખોરાક ખાધા પછી તરત જ અને ઊંઘતા પહેલા કોઈપણ પ્રકારનું વર્કઆઉટ કરવું જોઈએ નહીં. આ બંને સ્થિતિમાં કસરત કરવાથી તમને ફાયદા કરતાં વધુ નુકસાન થઈ શકે છે.
જમ્યા પછી તરત જ કેમ વર્કઆઉટ ન કરવું જોઈએ?
આ સવાલ અંગે દીપશિખા જૈન જણાવે છે કે જ્યારે તમે પેટ ભરીને ખાવ છો અને તેના પછી તરત જ કોઈ પણ પ્રકારની કસરત કરો છો, ત્યારે તેની તમારા પાચનક્રિયા પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને ખાસ કરીને તમારે ગેસ એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
દીપશિખા જૈન ઉપરાંત અન્ય ઘણા અહેવાલોના પરિણામો પણ દર્શાવે છે કે જ્યારે તમે ખોરાક લો છો, ત્યારે શરીરને પાચન માટે ઊર્જાની જરૂર પડે છે. બીજી તરફ જો તમે તરત જ વર્કઆઉટ કરશો તો શરીરનું ધ્યાન પાચનમાંથી સ્નાયુઓને ઊર્જા આપવા તરફ વળશે, જે પાચન પ્રક્રિયાને ધીમી પાડી શકે છે અને તમારે ગેસ, એસિડિટી, બ્લોટિંગ અથવા ઊલટી ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તમારે ઊંઘતા પહેલા કસરત કેમ ન કરવી જોઈએ?
ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર ઊંઘતા પહેલા અથવા રાત્રે કસરત કરવાથી તમારા મગજના કોષો સક્રિય થાય છે, જે પછી તમને ઊંઘ આવતી નથી અથવા ઊંઘવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં બીજા દિવસે તમે થાક અને નબળાઇ અનુભવો છો, તેમજ તેની અસર તમારા કામ પર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઊંઘતા પહેલા વર્કઆઉટ કરવાનું ટાળો. તમે સવારે કે બપોરે લંચ પહેલાં વર્કઆઉટ કરી શકો છો.