કિડની ખરાબ થવાના લક્ષણો જાણી યોગ્ય ઉપાય કરવાથી કિડની બગડતી અટકાવી શકાય છે. કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. શરીરમાં રહેલો પ્રવાહી કચરાને ફિલ્ટર કરી મૂત્ર માર્ગે બહાર ફેંકે છે જેને કારણે શરીરમાં શુદ્ધ લોહીનું ભ્રમણ થતું રહે છે. આ લેખમાં કિડની ખરાબ થવાના લક્ષણો વિશે માહિતી આપવામાં આવી છે. જો તમારા શરીર પર આ લક્ષણો દેખાતા હોય તો સત્વરે કિડની તપાસ કરાવવી જોઇએ.
કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગ છે જે વધારાના કચરાથી શરીરને ફિલ્ટર કરે છે અને શરીરને શુદ્ધ લોહીનો પુરવઠો પુરો પાડે છે. જો તમને પેશાબમાં ફિણ આવતું હોય, સ્નાયુ ખેચાણ, પગની ઘૂંટીઓમાં સોજા, ઉબકા ઉલટી કે શરીરમાં ખંજવાળ આવતી હોય તો સાવધાન થવાની જરુર છે.આ કિડની ખરાબ થવાના લક્ષણો છે. કિડનીને વધુ બગડતી અટકાવવાના ઉપાય સહિત વિગતે અહીં માહિતી મેળવવીએ.
કિડની ખરાબ થવાના લક્ષણો અને ઉપાય અંગે વિગતો મેળવતાં પહેલા કિડની કેવી હોય છે અને એનું માળખું કેવું છે એ અંગે જાણવું જરુરી છે. આપણા શરીરમાં કિડની બે લાલ રંગના બીન આકારની છે. જે કરોડરજ્જુની બાજુએ પાંસળીના પાંજરાની નીચે આવેલી છે. જે આશરે મુઠ્ઠીભર એટલે કે ૧૦-૧૨ સે.મી જેટલી હોય છે.
કિડનીના કાર્યની વાત કરીએ તો કિડનીનું મુખ્ય કામ શરીરમાં રહેલ નકામા અને વધારાના પ્રવાહી કચરાને બહાર મોકલવાનું અને લોહીને ફિલ્ટર કરી શુદ્ધ કરવાનું છે. તે યુરિયા અને યુરિક જેવા મેટાબોલિક કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે. આ ઉપરાંત તે જરુરી હોર્મોન્સ અને ઉત્સેચકો સ્ત્રાવ કરે છે. જે કેલ્શિયમ શોષણમાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
કિડની ખરાબ થવાના લક્ષણો
કિડની પર અસર થતી વખતે તેના પ્રથમ લક્ષણો કદાચ સામાન્ય લાગશે, પરંતુ સમયસર ધ્યાન ન આપીએ તો તે ગંભીર બની શકે છે. અહીં કિડની ખરાબ થવાના મુખ્ય લક્ષણો આપેલા છે
પેશાબમાં ફેરફાર
પેશાબમાં સાબુના ફીણ જેવા પરપોટા થવા.પેશાબની ગંધમાં તીવ્રતા અને રંગમાં ફેરફાર થવો તેમજ વધુ અથવા ઓછું પેશાબ થવો
શારીરિક સોજો
હાથ, પગ, ચહેરો અથવા એડીઓ પર સોજો આવવો. શરીરમાં પાણી રોકાઈ જવાથી આ અસર થાય છે. જે પણ કિડની ખરાબ થવાનું સૂચવે છે.
થાક અને બેચેની
કિડનીની સમસ્યા હોય ત્યારે શરીર જરૂરી પોષક તત્વો વિતરણ કરવામાં અસફળ રહે છે, જેનાથી થાક લાગે છે.
ઉબકા ઉલટી અને ચક્કર
લોહીશુદ્ધિ ન થતાં ઉબકા, ઉલટી અને ચક્કર જેવાઆ લક્ષણો જોવા મળે છે. જે કિડનીની લોહી શુદ્ધ કરવાની અસરકારકતા મંદ પડી હોવાનું દર્શાવે છે.
પીઠ અથવા પેટમાં દુખાવો
કિડનીમાં પથરી અથવા ચેપથી પીઠ અને પેટના ભાગમાં દુખાવો થાય છે.
રક્તપેશાબ
જો પેશાબમાં લોહી દેખાય, તો આ કિડનીની ગંભીર તકલીફનું લક્ષણ હોઈ શકે છે.
કિડની સ્વસ્થ રાખવા સરળ ઉપાય
તંદુરસ્ત આહાર અપનાવો
ફળ, શાકભાજી, સંપૂર્ણ અનાજ, અને ઓછી ચરબીયુક્ત આહાર લઈએ. મીઠા અને ચરબીના ઉપયોગને નિયંત્રણમાં રાખવું જોઇએ.
હાઇડ્રેટેડ રહો
દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. ડ્રિંકસ અથવા કાર્બોનેટેડ પીણાં ટાળવા અને નિયમિત શારીરિક વ્યાયામ કરવો જોઇએ. રોજ 30 મિનિટ હળવી કસરત કરવી તેમજ વજનને નિયંત્રણમાં રાખવું જોઇએ.
બ્લડ પ્રેશર અને શુગર
હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. નિયમિત ચકાસણી કરાવો અને તબીબની સલાહ લેવી જોઇએ.
તમાકુ અને મદિરા ટાળો
દારુ કે નશાવાળી વસ્તુઓ તમારી કિડની પર સીધી અસર કરે છે. તમાકું, દારુ સહિત નશાની વસ્તુઓ ટાળવી જોઇએ. આ ઉપરાંત વધુ પડતી દવાનું સેવન પણ કિડની માટે નુકસાનકારક છે. ઘણી દવાઓ, ખાસ કરીને પેઇનકિલર્સ, કિડની માટે હાનિકારક હોય છે.
નિયમિત આરોગ્ય ચકાસણી
દર વર્ષે કિડની ચકાસણી કરાવવી જરૂરી છે. કિડનીને સ્વસ્થ રાખવી તમારી સમગ્ર તંદુરસ્તી માટે અનિવાર્ય છે. સમયસર ધ્યાન આપીને તમે કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ ટાળી શકો છો.
કિડની સંબંધિત રોગ
કિડની સંબંધિત રોગ વિશે વાત કરીએ તો મુખ્યત્વે યુરેમિયા, રેનલ કેલ્યુલી અને ગ્લોમેર્યુલોનફ્રીટીસ છે. જે કિડનીને ઘણે અંશે નુકસાન કરે છે.
યુરેમિયા
યુરેમિયા રોગથી કિડનીને નુકસાન થાય છે. કિડની યુરિયા સહિતના પદાર્થોને ફિલ્ટર કરવાની અસરકારકતા ગુમાવે છે. પરિણામે યુરિયા લોહીમાં ભળે છે જે જીવલેણ બની શકે છે. આ રોગમાં દર્દીઓને ખંજવાળ, સ્નાયુમાં ખેંચાણ, માનસિક બેચેની અને થાક વર્તાય છે.
કિડની પથરી
રેનલ કેલ્ક્યુલી એટલે કે કિડનીમાં પથરી હોવું એ પણ એક રીતે કિડનીની બિમારી છે. ક્ષાર ભેગા થવાથી કિડનીમાં પથરી થાય છે. જેના લક્ષણોની વાત કરીએ તો પેટમાં તીવ્ર દુખાવો અને ઉબકા આવે છે. પાણીના સેવન અને ખોરાકમાં સુધારો કરતાં પેશાબ માર્ગે બહાર આવી શકે છે. જો પથરી મોટી થઇ હોય તો એને દવા કે પછી ઓપરેશન દ્વારા ઉકેલ લાવવો પડે છે.
ગ્લોમેર્યુલોનફ્રીટીસ
ગ્લોમેર્યુલોનફ્રીટીસ એ કિડની ગંભીર રીતે ખરાબ થયાનું સુચવે છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો પેશાબ સહેજ ગુલાબી જેવો થવા લાગે છે. ચહેરા પર અને પગે સોજા દેખાય છે. સાથોસાથ વ્યક્તિમાં ઉંચા રક્તસ્ત્રાવની પણ સમસ્યા છે. જો આવા લક્ષણ જણાય તો સત્વરે તબીબી સલાહ લેવી યોગ્ય છે.
(ડિસ્ક્લેમર: વિશ્વ સમાચાર તરફ આપવામાં આવેલી માહિતી એકત્ર કરેલ વિગતોને આધારે રજુ કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરતાં પહેલા યોગ્ય તબીબની સલાહ લેવી યોગ્ય છે.)