ભારતે ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં 150 રનથી જીત મેળવી. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી.
રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી છેલ્લી T20 મેચ ભારતે 150 રનથી જીતી લીધી.
ભારત માટે ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 13 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 135 રન બનાવીને તોફાની સદી ફટકારી જ નહીં, પણ બોલિંગમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી.
ભારત તરફથી અભિષેક શર્મા, શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. આ ઉપરાંત મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ઇંગ્લેન્ડને 248 રનનો લક્ષ્યાંક આપ્યો. આનો પીછો કરતા ઇંગ્લેન્ડના એકમાત્ર બેટ્સમેન ફિલિપ સોલ્ટે શાનદાર પ્રદર્શન કર્યું અને 55 રન બનાવ્યા.
આ મેચમાં અભિષેક શર્માએ 37 બોલમાં સદી ફટકારી હતી. તે ટી20માં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે.
રોહિત શર્મા પ્રથમ સ્થાને છે. તેણે 35 બોલમાં સદી ફટકારી.
આ સાથે ભારતે પાંચ મેચની T20 સીરિઝ 4-1થી જીતી લીધી છે.