ગુજરાતથી મહાકુંભ માટેની પ્રથમ વોલ્વો રવાના

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતથી જતાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમની વોલ્વો બસનો પ્રારંભ અમદાવાદથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો બસનો પ્રારંભ થયો છે.

વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે GSRTCની વોલ્વો બસને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે લીલીઝંડી આપી હતી. સવારે નીકળેલા શ્રદ્ધાળુમાં મહાકુંભમાં ગંગા સ્નાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં 23 વર્ષના યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધા સુધીનો સમાવેશ થતો હતો. તો વડોદરાથી પ્રયાગરાજ જવા માટે છેક બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ અને ભરૂચથી લોકો આવ્યા હતા. આ વોલ્વો બસ આજે મંગળવારે રાત્રે 8 વાગ્યે શિવપુરી પહોંચશે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ રાત્રિ રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ બીજા દિવસે બસ સાંજે 6 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. પ્રયાગરાજમાં રાતવાસો કર્યા પછી, બપોરે 1 વાગ્યે સ્નાન કર્યા પછી શિવપુરી પરત ફરશે.

હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે. ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો. આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો. સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એસટી વિભાગના જણાવ્યા અનુસાર આ વોલ્વો બસ 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડથી પ્રયાગરાજ ખાતે ઉપડતી બે એસટી વોલ્વો બસનું 24 ફેબ્રુઆરી સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. દરરોજ એક બસ સવારે 6 વાગ્યે અને બીજી બસ સવારે સાત વાગ્યે ઉપડે છે. બંને બસોમાં અત્યારે હાલમાં 5થી 10 લોકોનું વેઇટિંગ છે. પ્રયાગરાજ માટે બસ અંગેની જાહેરાત કરવામાં આવતા જ એક જ દિવસમાં તમામ તારીખો માટે બસ બુક થઈ ગઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *