દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જે બાદ તમામ બેઠકો પર આજે પરિણામ આવી રહ્યા છે. મતગણતરી કેન્દ્રોની બહાર ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૧ જિલ્લાના કુલ ૧૯ કેન્દ્રો પર ગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક વલણોમાં ભાજપ લીડ કરી રહ્યું છે, જ્યારે આપ પણ આકરી ટક્કર આપી રહ્યું છે. કોંગ્રેસે એક બેઠક પર લીડ મેળવી છે.
દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ ૬૦.૫૪ % મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ૨૭ વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. તેમાં તે ૬ બેઠકો પણ સામેલ છે જ્યાંથી દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં દિલ્હી, કાલકાજી, જંગપુરા, પટપરગંજ, બલ્લીમારન, ઓખલા બેઠકનો સમાવેશ થાય છે. આજે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, આઉટગોઇંગ સીએમ આતિશી, આઉટગોઇંગ મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બીજેપીના કપિલ મિશ્રા, રમેશ બિધૂડી, કોંગ્રેસના સંદીપ દીક્ષિતનું રાજકીય ભાવિ નક્કી થશે.
બેઠક | આપ | કોંગ્રેસ | ભાજપ |
નવી દિલ્હી | અરવિંદ કેજરીવાલ | સંદીપ દીક્ષિત | પરવેશ વર્મા |
કાલકાજી | આતિશી | અલકા લાંબા | રમેશ બિધૂડી |
જંગપુરા | મનિષ સિસોદિયા | ફરહાદ સૂરી | તરવિંદર સિંહ મારવાહ |
ઓખલા | અમાનતુલ્લાહ ખાન | અરીબા ખાન | મનીષ ચૌધરી |
માલવિય નગર | સોમનાથ ભારતી | સતીશ ઉપાધ્યાય | જિતેન્દ્ર કુમાર કોચર |
પટપરગંજ | અવધ ઓઝા | અનિલ ચૌધરી | રવિન્દર સિંહ નેગી |
બલ્લીમારન | ઈમરાન હુસૈન | હારૂન યુસુફ | કમલ બાગરી |
દિલ્હી બેઠક
નવી દિલ્હી બેઠક પર AAP કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો છે. કેજરીવાલ છેલ્લી ત્રણ ચૂંટણીથી આ બેઠક જીતી રહ્યા છે. તેમજ છેલ્લી બે ચૂંટણીમાં આ બેઠક પે કેજરીવાલને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી બેઠક પર ૫૬.૪% મતદાન થયું હતું.
કાલકાજી બેઠક
આતિશી કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો છે. કાલકાજી બેઠક પર ૫૪.૫૯% મતદાન થયું હતું.
જંગપુરા બેઠક
જંગપુરા બેઠક ચર્ચામાં છે કારણ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અહીંથી ઉમેદવાર છે. સિસોદિયા ભાજપના તરવિંદર સિંહ મારવાહ અને કોંગ્રેસના ફરહાદ સૂરી સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચૂંટણી AAPના પ્રવીણ કુમારે જીતી હતી. અહીં ૫૭.૪૨% મતદાન થયું હતું.
પટપરગંજ બેઠક
આ વખતે અવધ ઓઝા પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી AAP તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના રવિન્દર સિંહ નેગી સામે છે. કોંગ્રેસ તરફથી અનિલ ચૌધરી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. AAPના વર્ચસ્વ પહેલા, કોંગ્રેસ ૧૯૯૮ થી ૨૦૧૩ સુધી આ બેઠક જીતી હતી. ૨૦૨૦માં સિસોદિયા અહીંથી લગભગ ૩૦૦૦ વોટથી જીત્યા હતા. અહીં ૬૦.૭૦% મતદાન થયું હતું.
ઓખલા બેઠક
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન સતત ત્રીજી વખત ઓખલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસે અરીબા ખાન અને ભાજપે મનીષ ચૌધરી સાથે છે. આ વખતે AIMIM એ શફા ઉર રહેમાનને પહેલીવાર પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
બલ્લીમારન બેઠક
બલ્લીમારન એ પરંપરાગત રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ બેઠક ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની મહત્ત્વની બેઠક છે. આ વર્ષે AAPએ પોતાના ઉમેદવાર તરીકે ઈમરાન હુસૈનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે દિગ્ગજ નેતા હારૂન યુસુફને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૨૦૨૨માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ જીતનાર કમલ બાગરીને મેદાનમાં ઉતાર્યા છે. ઈમરાન હુસૈન બલ્લીમારન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુસુફ સામે ટકરાશે તેવી સંભાવના છે. હારૂન આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ શીલી દીક્ષિતના કાર્યકાળમાં મંત્રી પણ રહી ચુક્યા છે.