દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન આપતાં કહ્યું કે, ૨૦૨૫ ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર લોકમત સિવાય બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે, ૨૦૧૫ અને ૨૦૨૦ માં જ્યારે વડાપ્રધાનની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, ત્યારે પણ AAP એ દિલ્હીમાં નિર્ણાયક જીત મેળવી હતી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘દિલ્હી ચૂંટણી પરિણામો વડાપ્રધાનની નીતિઓ પર મહોર નથી, પરંતુ, આ જનાદેશ અરવિંદ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને સિદ્ધિઓના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે છે. કોંગ્રેસ પાર્ટીએ અરવિંદ કેજરીવાલના શાસન દરમિયાન થયેલા વિવિધ કૌભાંડોને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા રહી છે. દિલ્હીના મતદારોએ આમ આદમી પાર્ટીના બાર વર્ષના કુશાસન પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.’
દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનાવવા પર તેમણે કહ્યું, ‘કોંગ્રેસને આ ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા હતી. જોકે, પાર્ટીએ પોતાનો વોટ હિસ્સો વધાર્યો છે. કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શાનદાર રહ્યો. પાર્ટી ભલે વિધાનસભા જીતી ન શકી હોય, પરંતુ દિલ્હીમાં તેની મજબૂત હાજરી છે, જે લાખો કોંગ્રેસ કાર્યકરોના સતત પ્રયાસોથી વધુ મજબૂત બનશે. ૨૦૩૦ માં દિલ્હીમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે.’
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘આ વખતે દિલ્હીના લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. દિલ્હીવાસીઓ AAP સરકારની કાર્યશૈલીથી કંટાળી ગયા હતા.’ આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પરવેશ વર્માએ ૪,૦૮૯ મતોના માર્જિનથી હરાવ્યા છે, જે શાસક પક્ષ માટે મોટો ઝટકો છે. દિલ્હીમાં ૨૭ વર્ષ પછી ભાજપ ફરી સરકાર બનાવવા જઈ રહી છે.